ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીની તૈયારીના શ્રીગણેશઃ અડધો લાખ નવા EVM ખરીદવા ઓર્ડર
નોખી નોખી ટોપી ઓઢી નોખા નોખા ખેસ, આવી જશે રાજકારણીઓ દોવા દુઝણી ભેસ પાલિકા-પંચાયતોની ચૂંટણીનું મતદાન ફેબ્રુઆરીમાં થવા પાત્રઃ ચૂંટણી વહેલી-મોડી થવાનો વિકલ્પ ખૂલ્લોઃ શહેરી અને ગ્રામ્યના ઇ.વી.એમ. જુદા પ્રકારના……?
ગાંધીનગર : રાજયમાં આવતા પાંચ મહિનામાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી આવી રહી છે. પાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ સમયસર થાય તો મતદાન ગયા વખત (વર્ષ ર૦ર૧) ની જેમ આ વર્ષે પણ ફેબ્રુઆરી ર૦ર૬માં આવવાપાત્ર છે. ચૂંટણી પંચે અત્યારે સમયસર ચૂંટણી યોજવાની ગણતરી સાથે તૈયારી શરૂ કરી છે. કોઇ ધાર્યા કે અણધાર્યા કારણસર ચૂંટણી વહેલી-મોડી થવાનો વિકલ્પ ખૂલ્લો છે.
જાણવા મળેલ વિગત મુજબ રાજય ચૂંટણી પંચ દ્વારા દરેક કલેકટર પાસેથી મતદાન મથક, મત મશીનની જરૂરિયાત વગેરે અંગે માહિતી માંગવામાં આવેલ ચૂંટણીમાં જરૂરિયાત કરતા વધુ ઇ.વી.એમ. તૈયાર રાખવામાં આવે છે. ૭૦ થી ૭પ ઇ.વી.એમ.ની જરૂરિયાતને અનુલક્ષીને નવા અડધા લાખથી વધુ ઇ.વી.એમ. ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે.
પંચાયતોની ચૂંટણીમાં મતદારે એક જ મત આપવાનો હોય છે. નગરપાલિકા અને મહાનગરપાલિકામાં વોર્ડ દિઠ ચાર-ચાર બેઠકો હોવાથી દરેક મતદારને ૪ મત આપવાનો અધિકાર મળે છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારના મત મશીન જુદી જુદી સિસ્ટમના હોય છે. જાન્યુઆરીમાં ઇ.વી.એમ.નું ફર્સ્ટ લેવલ ચેકીંગ થાય તેવા સંજોગો છે.
ગુજરાતમાં નવી રચાયેલ ૯ મહાનગરપાલિકાઓ અને ૧૭ તાલુકા પંચાયતોની ચૂંટણી પણ અન્ય ચૂંટણીઓ સાથે થઇ જાય તેવી શકયતા છે. નવી તાલુકા પંચાયતોમાં બેઠકોની સંખ્યા અને સીમાંકનની કાર્યવાહી ટુંક સમયમાં થશે.