ગાયિકા પલક મુચ્છલનું ગિનિસ બુકમાં નામ નોંધાયું, ૩૮૦૦થી વધુ બાળકોની હૃદયની સર્જરી કરાવી
સિંગર પલક મુચ્છલ પોતાની કમાણીનો મોટા ભાગનો હિસ્સો બાળકોની હૃદયની સર્જરી માટે દાન કરી દે છે. તે પોતાના સ્ટેજ શોની તમામ કમાણી પણ દાન કરે છે. હાલમાં જ પલકનું નામ ગિનિસ બુકમાં સામેલ થયું છે. તેમણે અત્યાર સુધીમાં ૩૮૦૦થી વધુ બાળકોની હૃદયની સર્જરી કરાવી છે.
સિંગર પલક મુચ્છલ પોતાની ઉત્તમ ગાયકીની સાથે-સાથે સમાજ સેવાને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે. ઈન્દોરમાં જન્મેલા અને પોતાના દિલકશ અવાજ તથા મધુર સંગીત માટે જાણીતા ગાયિકા પલક મુચ્છલે હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. જોકે, તેમણે આ ખાસ ઓળખ પોતાની ગાયકીને કારણે નહીં, પરંતુ સમાજ સેવાના કાર્યોને કારણે બનાવી છે.

૩૮૦૦થી વધુ બાળકોને આપ્યું નવું જીવન
સિંગર પલક તેમની પલક પલાશ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં ૩૮૦૦થી વધુ બાળકોની હૃદયની સર્જરી કરાવી ચૂક્યા છે.
પલક બાળપણમાં એક રેલ પ્રવાસ દરમિયાન વંચિત બાળકોને મળ્યા હતા. તે એક પળે તેમના જીવનને એક મોટો ઉદ્દેશ્ય આપી દીધો. તે દિવસે તેમણે મનોમન પોતાને એક વચન આપ્યું હતું, “હું કોઈક દિવસ તેમની મદદ જરૂર કરીશ.” વર્ષો પછી આ જ વચન તેમની સંસ્થા પાછળની પ્રેરણા બન્યું, જે મ્યુઝિક ઇવેન્ટની કમાણી અને પોતાની બચતને જીવનરક્ષક તબીબી કાર્યોમાં લગાવે છે.
View this post on Instagram
પલકે સામાજિક કાર્ય માટે આપ્યા ૧૦ લાખ
પલકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો છે, જેમાં તે બાળકો સાથે જોવા મળી રહી છે. પલકે વર્ષોથી કારગિલના શહીદોના પરિવારોની મદદ કરી છે અને ગુજરાત ભૂકંપના પીડિતોની રાહત માટે રૂ. ૧૦ લાખનું યોગદાન આપ્યું હતું. સામાજિક કલ્યાણ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા ઊંડી સહાનુભૂતિમાં છે અને સતત કાર્યોથી પ્રેરિત છે.
લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ શામેલ
‘મેરી આશિકી’, ‘કૌન તુઝે’ અને ‘પ્રેમ રતન ધન પાયો’ જેવા ગીતો સાથે પોતાની સંગીત કારકિર્દીની ઊંચાઈઓને સ્પર્શવા છતાં પલકે પોતાની કમાણી અને ઊર્જા તેમના ફાઉન્ડેશનને સમર્પિત કરવાનું ચાલુ રાખ્યું છે. તેમનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલું છે, જે તેમની પ્રોફેશનલ સિદ્ધિઓની સાથે-સાથે માનવતાવાદી કાર્યો પ્રત્યેના તેમના અતુટ સમર્પણનો પુરાવો છે.

