સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ભચાઉના શિકારપુરમાંથી દેશી દારૂ સહિત રૂ.32.72 લાખનો મુદ્દામાલ પકડાયો : બે પકડાયા જ્યારે 8 શખસો નાશી છુટ્યા
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કેટલાક સમય પહેલાં પશ્ચિમ કચ્છના કેરા સહિતના વિસ્તારોમાં દરોડા પાડીને મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો, ત્યારે હવે એસ.એમ.સી.એ પૂર્વ કચ્છમાં ધ્યાન કેન્દ્રિત કર્યું હોય તેમ ભચાઉ તાલુકાના શિકારપુરમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને દરોડો પાડ્યો હતો. જેમાં કુલ રૂ. ૩૨,૭૨,૦૭૫ નો દેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. આ દરોડામાં બે આરોપી પકડાયા હતા જયારે ૮ શખસો નાશી છુટવામાં સફળ રહ્યા હતા.
ખુલ્લા ખેતરમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની મળી બાતમી
સુરજબારી ખાતે રહેતો સલીમ હબીબ જેડાના ઘરની પાસે ખુલ્લા ખેતરમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. જેના પગલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં કુલ રૂ. ૧,૩૪,૪૦૦નો ૬૭૨ લીટર દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવાના માટેનો રૂ.૧,૭૨,૫૦૦ની કિંમતનો ૬૯૦૦ લીટર આથો મળી આવ્યો હતો.
પોલીસ દ્વારા બે આરોપીની મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી
પોલીસ દ્વારા સુરજબારી ગામના આરોપી ઇસ્માઇલ દાઉદ ત્રાયા તથા સુલતાન દાઉદ ત્રાયાની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી મોબાઇલ, વાહન મળીને કુલ રૂ. ૩૨,૭૨,૦૭૫નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે મુખ્ય આરોપી સલીમ ઉર્ફે કાલો હબીબ જેડા,તેનો ભાગીદાર ગુલામ અમુદીન ઉર્ફે અમુલો ત્રાયા, સલીમનો પુત્ર સાજીદ સલીમ જેડા, સ્કોર્પિયોનો ડ્રાઇવર, કારનો ચાલક, કલીનર, બાઇક ચાલક સહિત ૮ શખસો નાશી છુટ્યા હતા. જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
વાગડમાં એસ.એમ.સી. આવ્યાની વાત ફેલાતાં જ બુટલેગરોના મોતિયા મરી ગયા
શિકારપુરમાંથી એસએમસી દ્વારા દેશી દારૂનો જથ્થા સાથે બે આરોપીને પકડી પાડ્યા છે, કુલ ૧૦ આરોપીઓની સામે સામખિયાળી પોલીસ સ્ટેશનમાં દારૂ અંગેનો ક્વોલિટી કેસ દાખલ કરાયો હતો. જોકે વાગડ પંથકમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ આવી હોવાની વાત વહેતી થતાં જ બુટલેગરોના મોતિયા મરી ગયા હતા અને તેઓ મુદ્દામાલ સગેવગે કરીને ભુગર્ભમાં ઉતરી ગયા હતા.
સ્ટેટ મોનીટરીંગ સેલની કાર્યવાહી બાદ હવે કયા અધિકારીનો ભોગ લેવાશે તેના પર સૌની નજર
એસ.એમ.સી.ની કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસના કયા અધિકારીની જવાબદારી બેસાડાય છે અને કોની વિકેટ પડશે તે સહિતનો ગણગણાટ પોલીસ બેડામાં સાંભળવા મળ્યો હતો. પૂર્વ કચ્છમાં તેલ ચોરી, એમ.એચ.ઓ.ના પોઈન્ટ, લાકડી ચોરી, કરોડોનો દારૂ, સ્પા, જુગાર, આંકડો સહિતની બદીઓ ઘર કરી ગઈ છે તયારે ગાંધીનગરથી આવેલી ટીમે માત્ર દેશી દારૂ અંગે કાર્યવાહી કરતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા.