Solar powered electric charging : દેશનું પ્રથમ શહેર બન્યું જ્યાં ઇ-બસ માટે સોલાર ચાર્જિંગ સ્ટેશન રસ્તા પર જ ઉપલબ્ધ કરાયું
Solar powered electric charging : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (AJL)ના સંયુક્ત પ્રયાસથી શહેરના આરટીઓ વિસ્તારમાં દેશનું પહેલું ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે. 19 જુલાઈ, 2025ના રોજ મુખ્યમંત્રીએ તેનું ઉદ્ઘાટન કર્યું છે.
નવી ટેક્નોલોજી: રસ્તા પર જ ચાર્જ થશે બસ
આ ચાર્જિંગ સ્ટેશનમાં 240 કિલોવોટ અને 180 કિલોવોટના બે પાવરફુલ ચાર્જર અને 120 કિલોવોટની સોલાર પાવર સિસ્ટમ સ્થાપિત કરાઈ છે. આ નવી ટેકનોલોજી સ્વિસ એજન્સી ‘SDC’ દ્વારા ફંડેડ “CAPACITIES Phase 2” અંતર્ગત અમલમાં આવી છે.
વાહન વ્યવહારના ખર્ચમાં થશે મોટો ઘટાડો
હમણાં સુધી AMC દરરોજ ઈ-બસના માઈલેજ પૂર્ણ થયા પછી તેને ચાર્જિંગ ડેપો સુધી મોકલતી હતી, જેના કારણે વાર્ષિક લગભગ ₹60 લાખનો વધારાનો ખર્ચ થતો. હવે આ નવી વ્યવસ્થાથી 40થી વધુ BRTS ઈ-બસોને રસ્તા પર જ ચાર્જ કરવાની સુવિધા મળવાથી અંદાજે ₹1 કરોડનો ખર્ચ બચશે.
ઊર્જા ઉત્પાદન અને પર્યાવરણલક્ષી ફાયદા
120 કિલોવોટના સોલાર પેનલથી દર વર્ષે લગભગ 1.2 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થવાની શક્યતા છે. સાથે સાથે, કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થશે, જે શહેરને વધુ પર્યાવરણીય બનાવશે.
ભવિષ્યમાં વધારાના ચાર્જિંગ સ્ટેશન પણ બનશે
AMC દ્વારા આ પહેલને આગામી સમયમાં વધુ વિસ્તૃત કરવાનો નિણય લેવાયો છે. RTO સિવાય શહેરમાં વધુ બે સ્થળોએ ઓન રૂટ સોલાર ચાર્જિંગ સ્ટેશનો બનાવવાનું આયોજન ચાલી રહ્યું છે.
અમદાવાદ હવે માત્ર સ્માર્ટ સિટીના દાવેદાર તરીકે નહીં, પણ કૃત્રિમ બુદ્ધિ અને હરિત ઊર્જા આધારિત ટેકનિકલ વિકાસમાં પણ દેશને માર્ગ બતાવતું શહેર બન્યું છે.