કંડલાથી કાચું સોયાબીન તેલ ભરીને ગાંધીનગર જતા ટેન્કરમાંથી ડ્રાઇવરે રૂ. ૩૩. ૩૮ લાખનું તેલ કાઢીને છેતરપિંડી આચરી
કંડલાથી ટેન્કરમાંથી કાચું સોયાબીન તેલ ભરીને ગાંધીનગરના છત્રાલ ખાતે ડિલીવરી કરવા જઇ રહેલા ટેન્કરના ડ્રાઇવરે માળિયા પાસે ૨૮ ટન જેટલું તેલ કાઢીને ટેન્કરને પલ્ટી ખવડાવીને તેલ ઢોળાઇ ગયું હોવાનું બહાનું ધરીને રૂ.૩૩.૩૮ લાખની છેતરપિંડી આચરી હતી. જે અંગે કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
માળિયા પાસે વરસાદી નાળામાં ટેન્કર પલ્ટી મારી ગયું
આ અંગે ટ્રાન્સપોર્ટર સુનિલભાઈ ધનજીભાઈ ડાંગરે કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ રાપર તાલુકાના કાનમેર ગામનો આરોપી લાલાભાઈ દાનાભાઈ ભરવાડ નામનો શખસ તા.૩૦-૮-૨૦૨૫ના રોજ કંડલાથી ૪૨ ટન ડિગમ સોયાબીનન તેલ ટેન્કરમાં ભરીને ગાંધીનગરના છત્રાલ ખાતે ડિલીવરી આપવા માટે નીકળ્યો હતો. બીજા દિવસે એટલે કે તા. ૩૧ ઓગસ્ટના વહેલી સવારે ૪:૩૦ વાગ્યાના અરસામાં માળિયા પાસે વરસાદી નાળામાં ટેન્કર પલ્ટી મારી ગયું હતું. તેથી સુનિલભાઇએ તાત્કાલિક સ્થળ પર પહોંચી જઇને તપાસ કરતાં ટેન્કરમાંથી થોડું ઘણું એટલે કે ૧૩.૭૧ ટન તેલ મળી આવ્યું હતું અને બાકીનો જથ્થો ઢોળાઇ ગયો હતો. હકીકતમાં તે જથ્થો ડ્રાઇવર લાલાભાઇ ભરવાડે પોતાના મળતિયાઓની મદદથી કિ.રૂ.૩૩.૩૮ લાખનો ૨૮ ટન તેલનો જથ્થો ટેન્કરમાંથી કાઢીને સગેવગે કરી નાખ્યો હતો.
ઢોલાયેલા તેલનું પ્રમાણ ઓછું જણાતાં ટ્રાન્સપોર્ટને શંકા ગઇ
ટેન્કર પલ્ટી મારી ગયું હતું તે સ્થળે જઈને તપાસ કરતાં જાણવા મળ્યું કે ઢોળાયેલા તેલનું પ્રમાણ ઓછું હતું. તેથી ટ્રાન્સપોર્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં જીપીએસના માધ્યમથી ચેક કરતાં જાણવા મળ્યું કે, ડ્રાઇવર કંડલાથી ટેન્કર ભરીને નીકળ્યો હતો અને બાદમાં વરસાણા ગામના રામદેવ પીર મંદિર પાસે મહાદેવ ઢાબા પાછળ એક કલાક સુધી ટેન્કર સાથે રોકાયો હોવાનું જાણવા મળ્યું હતું.
વરસાણા પાસે જઈને તપાસ કરતાં ટેન્કરના ટાયરના માર્ક જોવા મળ્યા
ટ્રાન્સપોર્ટર સુનિલભાઇ ડાંગરે વરસાણાના રામદેવ મંદિર પાસે મહાદેવ ઢાબાની પાછળ જઇને તપાસ કરતાં ત્યાં જમીન પર કાચાં સોયાબીન તેલનું ખાબોચિયું ભરેલું તથા ટેન્કરના ટાયરના માર્ક જોવા મળ્યા હતા. તેથી ડ્રાઇવરને આ અંગે પુછતાં તેણે પાર્સલ લેવા માટે રોકાયો હોવાનું જણાવ્યું હતું. તેથી ટ્રાન્સપોર્ટરની શંકા દ્રઢ બની હતી, કેમ કે જ્યારે માળિયા પાસે ટેન્કર પલ્ટી મારી ગયું ત્યારે તેની સ્પીડ એક કલાકના ૮ થી ૧૦ કિ.મી.ની જ હતી અને ટે કરના આગળનો કાચ પણ સહી સલામત પડ્યો હતો,તુટેલો નહોતો. તેથી સુનિલભાઈ એ ડ્રાઇવર સામે કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.