ગુજરાત સહિત દેશભરના ક્રિકેટ પ્રેમિઓ માટે ઉત્સવ સમાન ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL) શરૂ થઈ ચૂકી છે. ત્યારે દેશભરમાં તેનો રંગ ચડ્યો હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ પણ આઈપીએલના રંગમાં રંગાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદની નવી ઓળખ સમાન મેટ્રો ટ્રેનને આઈપીએલ થીમથી શણગારવામાં આવી છે.
વેજલુપર-મોટેરા મેટ્રો ટ્રેક પર દોડતી ટ્રેનને IPLનો રંગ
જણાવી દઈએ કે, શહેરના વેજલુપર-મોટેરા મેટ્રો ટ્રેક પર દોડતી ટ્રેનને આઈપીએલ થીમમાં તબદીલ કરવામાં આવી છે. ટ્રેન પર આઈપીએલની ટીમ ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. ગુજરાત ટાઇટન્સને સ્પોર્ટ કરવા માટે મેટ્રો ટ્રેન પર ટીમના ખેલાડીઓના ફોટો લગાડવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની પહેલી મેચ રમાઈ હતી અને આવનારા દિવસોમાં લીગની અન્ય કેટલીક મેચોનું આયોજન પણ અહીં કરવામાં આવશે. આથી ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ વધારવા અને ગુજરાતની ટીમને સપોર્ટ કરવા મેટ્રો ટ્રેનને પણ આઈપીએલનો રંગ આપવામાં આવ્યો છે.
મેટ્રો ટ્રેનના સમયને મહત્ત્વની જાહેરાત
ઉલ્લેખનીય છે કે, આઈપીએલને ધ્યાનમાં રાખીને અગાઉ મેટ્રો ટ્રેનના સમયને લઈને મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાખો લોકો મેચ જોવા માટે આવે ત્યારે તેમને અવરજવરમાં કોઈ અસુવિધા ન થાય તે માટે મેટ્રો ટ્રેન ઓથોરિટીએ જે દિવસે મેચ હોય ત્યારે રાતે દોઢ વાગ્યા સુધી મેટ્રો ટ્રેન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. એટલે કે IPL ચાલે ત્યાં સુધી જે દિવસે મેચ હશે તે દિવસે રાતના 1.30 વાગ્યા સુધી મેટ્રોની સુવિધા ચાલુ રહેશે.