World Chess Championships : 18 વર્ષનો શતરંજ સમ્રાટ: ગુકેશે ચીનના ડિફેન્ડિંગ ચેમ્પિયનને હરાવ્યો, આનંદ પછી બીજા ભારતીય તરીકે ઈતિહાસ રચ્યો
ગુકેશે ફાઇનલ મેચમાં 7.5-6.5ના સ્કોર સાથે ચીનના ડીંગ લિરેનને હરાવી ઇતિહાસ રચ્યો
વર્લ્ડ ચેમ્પિયન બનનાર ગુકેશ ચેસ ઈતિહાસમાં સૌથી યુવા ખેલાડી છે, જે માત્ર 18 વર્ષની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી
નવી દિલ્હી, ગુરુવાર
World Chess Championships : ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી. ગુકેશે ચેસની દુનિયામાં નવો ઇતિહાસ સર્જ્યો છે. ફિડે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં તેણે 14મી ગેમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને હરાવ્યો. ફાઇનલ મેચમાં 7.5-6.5ના સ્કોર સાથે ગુકેશે વિજય મેળવ્યો અને વર્લ્ડ ચેમ્પિયન બનનાર સૌથી યુવા ખેલાડી બનીને ભારતમાં ગૌરવ ઉમેર્યું.
14મી ગેમમાં ગુકેશે શાનદાર રણનીતિ અપનાવી અને ચેમ્પિયન બનવા માટે ખૂબ મહેનત કરી.. અગાઉની 13મી ગેમ ડ્રો રહી હતી, જેના કારણે મેચ રોમાંચક બની હતી. ગુકેશે ત્રીજી, 11મી અને 14મી ગેમ જીતી હતી, જ્યારે લિરેન પ્રથમ અને 12મી ગેમ જીતી શક્યો હતો. બાકીની તમામ ગેમ ડ્રો રહી હતી.
વિશ્વનાથન આનંદ પછી બીજો ભારતીય ચેમ્પિયન
ગુકેશ ચેસ ચેમ્પિયન બનનાર બીજા ભારતીય ખેલાડી છે. તેના પહેલા વિશ્વનાથન આનંદે 2012માં આ સિદ્ધિ હાંસલ કરી હતી. ગુકેશની આ સિદ્ધિ એટલી વિશિષ્ટ છે કે તે માત્ર 18 વર્ષની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે. આ પહેલાં તેણે ફિડે કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ 17 વર્ષની ઉંમરે જીતી હતી, જે તેણે જીતનાર સૌથી યુવા ખેલાડી તરીકે પણ એક રેકોર્ડ તોડ્યો હતો.
138 વર્ષના ઈતિહાસમાં એશિયાના બે ખેલાડીઓની ટક્કર
આ ચેમ્પિયનશિપ એશિયાના ચેસ માટે એક ઐતિહાસિક ક્ષણ બની હતી. ચેસ ફેડરેશનના 138 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર એવું બન્યું કે એશિયાના બે ખેલાડીઓ ફાઇનલમાં ટકરાયા. ચેમ્પિયનશિપ વિજેતાને રોકડ પુરસ્કારરૂપે રૂ. 20.86 કરોડ (US$2.5 મિલિયન) મળ્યા.
ગુકેશની શરુઆતથી સફળતા સુધીની યાત્રા
ડી. ગુકેશ, સંપૂર્ણ નામ ડોમરાજુ ગુકેશ, ચેન્નઈના રહેવાસી છે. 7 મે 2006ના રોજ જન્મેલો ગુકેશ માત્ર 7 વર્ષની નાની ઉંમરે ચેસ રમવા લાગ્યો. તેના કોચ ભાસ્કર નગૈયા હતા, જે આંતરરાષ્ટ્રીય સ્તરના ચેસ ખેલાડી છે. આ પછી વિશ્વનાથન આનંદે પણ તેને માર્ગદર્શન આપ્યું.
ગુકેશના પિતા ડૉક્ટર છે અને માતા માઇક્રોબાયોલોજીસ્ટ છે. તેના માતા-પિતાએ તેના પ્રતિભાને ઓળખીને તે માટે શ્રેષ્ઠ તક પ્રદાન કરી હતી. આજે ગુકેશ માત્ર એક ખેલાડી જ નહીં, પરંતુ શતરંજની દુનિયામાં ભારતીય યુવાનો માટે પ્રેરણા છે.
યુવા ભારતીયો માટે ગુકેશનું પ્રેરણાત્મક ઉદાહરણ
ગુકેશની સિદ્ધિ ભારતીય શતરંજના ઈતિહાસમાં નવી ક્રાંતિ લાવનાર છે. તેની પ્રતિભા, મહેનત અને મક્કમતા આજે દરેક માટે પ્રેરણાસ્ત્રોત છે.