First Female IOC Chief 2025: થોમસ બાકે સોંપી ‘ગોલ્ડન ચાવી’, IOCના નવા યુગની શરૂઆત
First Female IOC Chief 2025: ઝિમ્બાબ્વેની પૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન સ્વિમર કર્સ્ટી કોવેન્ટ્રીએ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) ના ઈતિહાસમાં પ્રથમ મહિલા પ્રમુખ તરીકે સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો છે. લૌઝાન, સ્વિટ્ઝર્લૅન્ડમાં યોજાયેલા એક ઔપચારિક સમારોહમાં વિદાય લઈ રહેલા પ્રમુખ થોમસ બાકે ઓલિમ્પિક હાઉસની ‘ગોલ્ડન ચાવી’ કોવેન્ટ્રીને સોંપી, IOCમાં નવા અધ્યાયની શરૂઆત કરી.
પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ચૂંટાઈ ઈતિહાસ રચ્યો
આ વર્ષના શરૂઆતમાં, કોસ્ટા નાવારિનો, ગ્રીસમાં IOCના 144મા સત્રમાં ગુપ્ત મતદાન દ્વારા કોવેન્ટ્રીને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેઓ હવે IOCના 10મા પ્રમુખ અને સંસ્થાની 130 વર્ષથી વધુની ઈતિહાસમાં પહેલી મહિલા ચીફ બન્યા છે. કોવેન્ટ્રીએ આ પદ માટે થોમસ બાકનું સ્થાન લીધું છે, જેમણે 12 વર્ષ સુધી IOCનું નેતૃત્વ કર્યું હતું.
થોમસ બાકનો ભાવુક વિદાય સંબોધન
થોમસ બાકે કહ્યું, “મારું IOC પ્રમુખપદ પૂર્ણ થઈ રહ્યું છે, અને હું ખૂબ જ આભારી છું કે મેં આ સફર ક્યારેય એકલો પુરી કરવી ન પડી. મારા સહયોગીઓના વિશ્વાસ અને મિત્રતાએ જ મને આગળ ધપાવ્યું.” તેમણે ઉમેર્યું કે ઓલિમ્પિક મૂલ્યોના આધારે વિકાસ અને નવીનીકરણ તેમને હંમેશા માર્ગદર્શન આપતા રહ્યા છે.
IOCમાં સ્ત્રી નેતૃત્વનો નવીન યુગ
કર્સ્ટી કોવેન્ટ્રીએ કહ્યું, “આ દિવસ મારા માટે બહુ મોટો સન્માન છે. હું માત્ર IOCનું નેતૃત્વ નથી કરી રહી, પરંતુ એક આદર્શો અને મૂલ્યોની ચળવળનું પ્રતિનિધિત્વ પણ કરી રહી છું.”
તેમણે થોમસ બાકને “ઓલિમ્પિક ઓર્ડર ઇન ગોલ્ડ” એનાયત કરી તેમના યોગદાન અને પ્રતિબદ્ધતાને માન્યતા આપી. “તમે માત્ર નેતા નથી, પણ ઘણા લોકો માટે મિત્ર પણ છો,” કોવેન્ટ્રીએ ભાવુક અવાજે કહ્યું.
IOC માટે નવા દિશામાં પહેલ
કોવેન્ટ્રીએ વચન આપ્યું કે તેઓ ખેલાડીઓ, સ્પર્ધાઓ અને ઓલિમ્પિક મૂલ્યો માટે સમર્પિત રહેશે. તેમણે સંગઠનમાં વધુ સામાજિક સમાવેશ, નારી શક્તિ અને યુવા ખેલાડીઓના વિકાસ પર ભાર મુકવાનો સંકેત આપ્યો.
આ પદભાર સાથે, IOCના ઈતિહાસમાં નવી દિશાની શરૂઆત થઈ છે, જ્યાં પ્રતિષ્ઠિત સંસ્થા હવે પ્રથમવાર સ્ત્રી નેતૃત્વ હેઠળ આગળ વધી રહી છે.