Headingley Pitch Report: રિચાર્ડ રોબિન્સે જણાવ્યું કે પિચ પર મેચના પહેલા દિનોમાં સ્વિંગ અને સીમનો હોબાળો રહેશે, પરંતુ અંતે બેટ્સમેન કરશે રાજ
Headingley Pitch Report: 20 જૂનથી હેડિંગ્લી ક્રિકેટ ગ્રાઉન્ડ, લીડ્સ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ શરૂ થવાની છે. ક્રિકેટપ્રેમીઓ માટે એક મહત્વપૂર્ણ જાણકારી પિચના ક્યુરેટર રિચાર્ડ રોબિન્સ તરફથી આવી છે. તેમના જણાવ્યા મુજબ પિચ ઉપરનાં પાંચ દિવસ માટે તૈયાર કરવામાં આવી છે, અને તે શ્રેણી માટે સંપૂર્ણ રીતે સંતુલન રહે તેવી આશા છે.
રિચાર્ડ રોબિન્સે જણાવ્યું કે મેચની શરૂઆતમાં પિચ પર હલકી ઘાસ રહેશે, જેના કારણે ફાસ્ટ બોલર્સને સ્વિંગ અને સીમ મૂવમેન્ટ મળશે. આ તકે શરૂઆતના બે દિવસ બોલરો માટે અનુકૂળ હશે, ખાસ કરીને નવા બોલ સાથે. તેમને આશા છે કે પિચ ધીરે ધીરે સુકાઈ જશે અને પછી બેટ્સમેન માટે અનુકૂળ બની જશે.
પિચને ભેજ આપવા માટે પૂરતું પાણી આપવામાં આવ્યું છે જેથી તે પાંચ દિવસ સુધી ટકી શકે. આ પિચ એવા પ્રકારની નથી કે જ્યાં મેચ માત્ર ત્રણ દિવસમાં પૂરી થઈ જાય. ક્યુરેટરએ કહ્યું, “આ પિચ ટકાઉ હશે અને જેમ જેમ દિવસો પસાર થશે, તેમ તેમ વિકેટ વધુ સમતલ થશે, જે બેટ્સમેનને મદદરૂપ થશે.“
300 રનનો સ્કોર શ્રેષ્ઠ માનવામાં આવશે
રોબિન્સે ઉમેર્યું કે, “જે ટીમ પહેલી ઇનિંગમાં બેટિંગ કરશે, તે માટે 300 રન એક મજબૂત સ્કોર રહેશે. બીજી અને ત્રીજી ઇનિંગમાં વધારે રન બનાવવા માટે વધુ અનુકૂળતા મળશે.” આથી ટોસ જીતનાર ટીમ માટે યોગ્ય સ્ટ્રેટેજી ગોઠવવી ખુબ જરૂરી રહેશે.
ભૂતકાળનો રેકોર્ડ
ભારતે અત્યારસુધી હેડિંગ્લી ખાતે 7 ટેસ્ટ મેચો રમી છે, જેમાંથી 4 મેચ ઇંગ્લેન્ડે જીતી છે, જ્યારે ભારતે 2માં વિજય હાંસલ કર્યો છે અને 1 મેચ ડ્રો રહી છે. આ ગ્રાઉન્ડ ઇંગ્લેન્ડ માટે હંમેશા અનુકૂળ રહ્યો છે.