Iman Khelif Controversy: લિંગ વિવાદ વચ્ચે IBA ચીફે IOC ને ઘેર્યા, થોમસ બાચ પર રાજકીય એજન્ડાના આરોપો લગાવ્યા
Iman Khelif Controversy: પેરિસ ઓલિમ્પિક્સ 2024માં મહિલાઓના બોક્સિંગ 63 કિગ્રા વર્ગમાં અલ્જેરિયન બોક્સર ઇમાને ખેલીફે ગોલ્ડ મેડલ જીત્યા બાદ, હવે આંતરરાષ્ટ્રીય બોક્સિંગ એસોસિએશન (IBA)ના પ્રમુખ ઉમર ક્રેમલેવે આ વિજય પર ગંભીર પ્રશ્ન ઉઠાવ્યા છે. તેમણે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) સામે આક્ષેપ કર્યો છે કે ખેલીફે લિંગ પરીક્ષણમાં નિષ્ફળ જતા છતાં તેમને પેરિસ ઓલિમ્પિક્સમાં ભાગ લેવા દેવાયું, અને હવે IOC ને આ ગોલ્ડ મેડલ પરત લેવા માટે કડક પગલાં લેવા જોઈએ.
લિંગ પરીક્ષણ વિવાદ અને બાચ પર આક્ષેપ
ઉમર ક્રેમલેવે જણાવ્યું કે ખેલીફ 2022 અને 2023ના IBA લિંગ પાત્રતા પરીક્ષણમાં નિષ્ફળ ગયા હતા અને તેથી તેમને IBA સ્પર્ધાઓ માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા. છતાં પણ IOCના ભૂતપૂર્વ પ્રમુખ થોમસ બાચે ખેલીફને ઓલિમ્પિક્સમાં ભાગ લેવાની મંજૂરી આપી. “આ નિર્ણય રાજકીય હતો અને રમતગમતના નિયમોનું ઉલ્લંઘન છે,” તેમણે જણાવ્યું.
ક્રેમલેવે બાચ પર આરોપ લગાવ્યો કે તેમણે પોતાનું પદ છોડતા પહેલા અનેક રાજકીય નિર્ણય લીધા, જેના કારણે IOCની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે. તેમણે કહ્યું, “બાચે રમતગમતની ન્યાયિકતા માટે નહીં પણ રાજકીય એજન્ડા માટે નિર્ણય લીધા છે.”
ખેલીફ પાસેથી મેડલ પરત લેવાની માગ
IBA ચીફે જણાવ્યું કે ઇમાને ખેલીફે મહિલા કેટેગરીમાં ભાગ લેનાર અન્ય તમામ બોક્સરો સામે અન્યાય કર્યો છે અને IOC ને તાત્કાલિક ગોલ્ડ મેડલ પરત લેવા માટે પગલાં લેવા વિનંતી કરી. “તેઓએ તમામ મહિલાઓ બોક્સરોને હેરાન કર્યુ છે. તેમને માફી પણ માંગવી જોઈએ અને વળતર પણ આપવું જોઈએ,” ક્રેમલેવે કહ્યું.
ટ્રાન્સજેન્ડર મુદ્દે ટ્રમ્પના અભિગમની પ્રશંસા
ક્રેમલેવે ટ્રાન્સજેન્ડર મહિલા ખેલાડીઓ અંગે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વલણને સમર્થન આપ્યું. તેમણે કહ્યું, “રિંગમાં નિયમો જરૂરી છે. સમાવેશ તો સારું છે, પણ નિયમ વિના રમત નહિ, માત્ર અરાજકતા રહી જાય.”
IOCની દ્વિપ્રમાણ નીતિ પર પણ સવા; /લ
અંતે, તેમણે પૂછી લીધું કે IOC યુક્રેન પર રશિયાના હુમલા વિશે તો કડક પગલાં લે છે, પણ મધ્ય પૂર્વના સંઘર્ષો વિશે કેમ મૌન છે?
ઉમર ક્રેમલેવના આ દાવા સાથે વિશ્વ બોક્સિંગ અને ઓલિમ્પિક સર્કલમાં નવી ચર્ચાની શરૂઆત થઈ છે — શું IOC ખરેખર ન્યાય માટે ઉભું રહેશે કે રાજકીય દબાણ આગળ નમશે?