ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન એરોન ફિન્ચે લખનૌ સુપર જાયન્ટ્સ વિશે ભવિષ્યવાણી કરી છે. તેનું કહેવું છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનમાં લખનૌની ટીમને પ્લેઓફમાં પહોંચવા માટે સંઘર્ષ કરવો પડશે. આઈપીએલ 2023 સીઝનની શરૂઆત પહેલા તેણે કહ્યું, મને નથી લાગતું કે ટીમ તેની બોલિંગના આધારે પ્લેઓફમાં પહોંચે. ફિન્ચનું માનવું છે કે ડેથ ઓવરો દરમિયાન ટીમ બહુ સારી નહીં હોય. જેના કારણે તેને આગામી સિઝનમાં પોઈન્ટ ગુમાવવા પડી શકે છે.
બોલિંગ નબળાઇ
સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતાં એરોન ફિન્ચે કહ્યું, ‘હું લખનઉ સુપર જાયન્ટ્સમાં તેમની ડેથ બોલિંગ સંભવિત નબળાઈ જોઉં છું. મિડલ ઓર્ડરમાં તેની પાસે ઘણા બધા વિકલ્પો છે. ટીમમાં કેટલાક સારા ઓલરાઉન્ડર છે. પરંતુ મને લાગે છે કે જ્યારે તમે ટીમના કોમ્બિનેશનને જોશો, ત્યારે ડેથ ઓવરોમાં સારી બોલિંગ ક્વોલિટી શોધવી તેમના માટે એક વાસ્તવિક પડકાર હશે.
આ દરમિયાન જ્યારે એરોન ફિન્ચને ટીમમાં વિદેશી ખેલાડીઓના સંયોજન વિશે પૂછવામાં આવ્યું તો તેણે દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાંથી એક-એક ખેલાડીની પસંદગી કરી. ફિન્ચના જણાવ્યા અનુસાર, ‘મને લાગે છે કે લખનૌ સુપર જાયન્ટ્સ માટે વિદેશી ખેલાડીઓ તરીકે પ્રથમ પસંદગીના ક્વિન્ટન ડિકોક, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન અને માર્ક વૂડનો સમાવેશ મોટી અસર કરી શકે છે’. આ દરમિયાન તેણે એમ પણ કહ્યું કે નિકોલસ પૂરન લખનૌ સુપર જાયન્ટ્સ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
IPL 2022 લખનૌ સુપર જાયન્ટ્સ માટે સારું રહ્યું છે. ટીમે શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ ટીમ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ તેમાં સાતત્યનો અભાવ જોવા મળ્યો. જો કે તેમ છતાં કેએલ રાહુલની ટીમ ગત સિઝનમાં પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી હતી. પરંતુ ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી એલિમિનેટર મેચમાં તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારનો સામનો કરવો પડ્યો હતો.