Monthly Stipend For Hockey Players: રાષ્ટ્રીય શિબિરો માટે પસંદ થયેલા પુરુષ અને મહિલા હોકી ખેલાડીઓને પ્રોત્સાહન; ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ યોજનાના ખેલાડીઓને લાભ
Monthly Stipend For Hockey Players: રમતગમત મંત્રાલયે ભારતીય હોકી ખેલાડીઓ માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે રાષ્ટ્રીય શિબિરો માટે પસંદ થયેલા પુરુષ અને મહિલા હોકી ખેલાડીઓને માસિક રૂ. 25,000 જેટલું ભથ્થું આપવામાં આવશે. આ ભથ્થું ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ યોજનાના વિકાસ જૂથ હેઠળના 80 ખેલાડીઓ (40 પુરુષ અને 40 મહિલાઓ) માટે મંજૂર કરવામાં આવ્યું છે.
આ નિર્ણય મિશન ઓલિમ્પિક સેલની તાજેતરની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો. સરકાર દર મહિને રૂ. 20 લાખ ખર્ચ કરશે, જ્યારે મુખ્ય જૂથના ખેલાડીઓ માટે ભથ્થું રૂ. 50,000 રહેશે. રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, “હોકી ઈન્ડિયાની લાંબા સમયથી ચાલતી માગણી બાદ આ મંજૂરી આપવામાં આવી છે. ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે અને આ ભથ્થું તેમનાં પ્રોત્સાહન માટે છે.”
હોકી ઈન્ડિયા માસિક ધોરણે ખેલાડીઓની યાદી રમતમાં દેખાવ અને ફિટનેસના આધારે મંત્રાલયને સોંપશે. નામોમાં જરૂરી બદલાવ આ પરિબળોના આધારે થશે. હાલનાં સમયમાં, હોકી ખેલાડીઓ તેમના સંબંધિત વિભાગો અને સંગઠનો પાસેથી પગાર મેળવે છે, પરંતુ હોકી ઈન્ડિયા દ્વારા ગ્રેડેડ કોન્ટ્રાક્ટ સિસ્ટમનો વિચાર ચાલુ છે.
આ નવી યોજનાથી ખેલાડીઓને નક્કી આવક મળી રહેશે, ઉપરાંત ઓલિમ્પિક્સ અને એશિયન ગેમ્સ જેવી ઇવેન્ટ્સમાં મળતી ઇનામની રકમ તેમનું આવકનું બીજું સ્ત્રોત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક્સ અને પેરિસમાં સતત બે વખત બ્રોન્ઝ મેડલ જીત્યા છે, જ્યારે મહિલા ટીમ ટોક્યોમાં ચોથા સ્થાને રહી હતી. બંને ટીમો હાલમાં FIH પ્રો લીગમાં યુરોપમાં રમી રહી છે, જોકે પરિણામો આશાજનક નથી રહ્યા.
ઉપરાંત, MOC એ રૂ. 4.28 કરોડના વિવિધ નાણાકીય પ્રસ્તાવો મંજૂર કર્યા છે. જેમાંથી રૂ. 1.38 કરોડ ટેનિસ અને પેરા-એથ્લેટ્સ માટે ફાળવાયા છે. ઉપરાંત, રમતગમત મંત્રાલયે એક નવી એપ્લિકેશન દ્વારા દેશભરના યુવા ખેલાડીઓની પ્રતિભા ઓળખી શકાશે તેવી યોજના પણ ઘોષિત કરી છે.;
આ સમગ્ર પગલાં રાષ્ટ્રીય રમતગમત ભંડાર અને દેશવ્યાપી રમતગમત વિકાસનો ભાગ છે, જે ભારતીય રમતગમતના ભવિષ્ય માટે ઉમદા સૂચક છે.