Neeraj Chopra: ઓલિમ્પિક ચેમ્પિયનની સફળતાને લશ્કરી ગૌરવ સાથે માન અપાયો
Neeraj Chopra ભારતના ગૌરવ, ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા એથ્લીટ નીરજ ચોપરાને ભારત સરકારે ભારતીય ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલના માનદ પદથી નવાજ્યા છે. ભારત સરકારના સત્તાવાર પ્રકાશન ધ ગેઝેટ ઓફ ઈન્ડિયામાં તેમની નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે, જે આજથી અમલમાં આવી ગઈ છે.
નાયબ સુબેદારથી લેફ્ટનન્ટ કર્નલ સુધીની યાત્રા
નીરજ ચોપરાએ 26 ઓગસ્ટ 2016ના રોજ ભારતીય સેના સાથે તેમની યાત્રા શરૂ કરી હતી, જ્યારે તેઓ નાયબ સુબેદાર તરીકે જોડાયા હતા. તેઓએ માત્ર ખેલ જગતમાં જ નહીં, પણ લશ્કરી સેવાઓમાં પણ પ્રતિભા અને પ્રતિબદ્ધતા બતાવી છે. લશ્કરી વિભાગના સંયુક્ત સચિવ મેજર જનરલ જી.એસ. ચૌધરીના જણાવ્યા અનુસાર, નીરજ ચોપરાને પ્રાદેશિક સેના (Territorial Army) દ્વારા આ માનદ પદ એનાયત કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય એવોર્ડ અને લશ્કરી પ્રમોશનનો પ્રવાસ
નીરજ ચોપરા એ 2018માં અર્જુન એવોર્ડ અને 2021માં વિશિષ્ટ સેવા મેડલ મેળવી ચૂક્યા છે. આ પુરસ્કારો તેમની રમતગમતની વિશિષ્ટ કામગીરી માટે આપવામાં આવ્યા હતા. આ સાથે જ તેમને 2021માં સુબેદાર તરીકે પ્રમોશન મળ્યું હતું. વિગતો મુજબ 2022માં તેમને વધુ એક બઢતી મળીને સુબેદાર મેજર બનાવવામાં આવ્યા હતા.
તેઓએ દેશ માટે જ્યારથી 2021 ટોક્યો ઓલિમ્પિક્સમાં ચેમ્પિયન બનીને ગોલ્ડ મેડલ જીત્યો ત્યારથી તેમની લોકપ્રિયતા અને ઇજ્જત દિવસે દિવસે વધી રહી છે. હવે લેફ્ટનન્ટ કર્નલ તરીકેનો માનદ પદ પણ તેમને દેશસેવામાં તેમના યોગદાન માટે આપવામાં આવ્યો છે
રાષ્ટ્રગૌરવ માટે પ્રેરણાસ્ત્રોત
નીરજ ચોપરા હવે માત્ર એક ખેલાડી નથી, પરંતુ દેશના યુવાનો માટે એક પ્રેરણા છે. તેમની લશ્કરી માન્યતા એ સાબિત કરે છે કે રમતગમત અને દેશસેવા બંને ક્ષેત્રે ભારતીયો વૈશ્વિક સ્તરે પોતાના પગરવ છોડી શકે છે. આ માનદ પદ તેમને માત્ર ગૌરવ આપતું નથી, પણ આગામી પેઢીઓને દેશપ્રેમ, સમર્પણ અને પરિશ્રમના મૂલ્યો શિખવે છે.