Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિક્સ 2024નું ભવ્ય ઉદઘાટન 26 જુલાઈના રોજ થયું હતું. થોડી જ વારમાં રમતગમતનો આ મહાકુંભ તેના અંતિમ મુકામ પર પહોંચી ગયો છે.
આજે પેરિસ ઓલિમ્પિકનો સમાપન સમારોહ છે. જે રીતે આ કાર્યક્રમની શરૂઆત ભવ્યતા સાથે થઈ હતી તેવી જ રીતે સમાપન સમારોહ પણ તેટલો જ ભવ્ય હશે તેવી અપેક્ષા છે. સમાપન સમારોહ મોડી રાત્રે શરૂ થવાનો છે.
કેવો રહેશે સમાપન સમારોહ?
પેરિસ ઓલિમ્પિક 2024ની શરૂઆત ઐતિહાસિક હતી. આ પહેલીવાર હતું જ્યારે ઓપનિંગ સેરેમની ખુલ્લા સ્ટેડિયમમાં નહીં પરંતુ નદી પર કરવામાં આવી હતી. ઉદ્ઘાટન સમારોહ ઐતિહાસિક એફિલ ટાવર પાસે સીન નદી પર યોજાયો હતો જેમાં ખેલાડીઓ અને દર્શકોને પેરિસની પરંપરાઓથી પરિચય કરાવવામાં આવ્યો હતો. સ્ટેડ ડી ફ્રાન્સ સ્ટેડિયમમાં સમાપન સમારોહ યોજાશે. અંદાજ મુજબ, સમાપન સમારોહમાં લગભગ 80,000 દર્શકો હાજરી આપે તેવી શક્યતા છે. સમાપન સમારોહને ‘રેકોર્ડ્સ’ નામ આપવામાં આવ્યું છે.
ફ્રેન્ચ થિયેટર ડિરેક્ટર અને અભિનેતા થોમસ જોલી પેરિસ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક સમારંભોની દેખરેખ રાખતા કલાત્મક દિગ્દર્શક છે. સમાપન સમારોહ ઓલિમ્પિક 2028 ના યજમાન ફ્રાન્સ અને અમેરિકાની સંસ્કૃતિઓનું પ્રદર્શન કરશે. શોનો એક ભાગ હવામાં હશે, જેમાં લાઇટિંગ ઇફેક્ટ્સ જોવા મળશે. સ્પોર્ટ્સ 18ની SD અને HD ચેનલો પર બપોરે 12:30 વાગ્યાથી સમાપન સમારોહનું પ્રસારણ કરવામાં આવશે.
શ્રીજેશ અને ભાકર ભારતના ધ્વજ ધારક હશે
બ્રોન્ઝ મેડલ વિજેતા મનુ ભાકર અને અનુભવી હોકી ગોલકીપર પીઆર શ્રીજેશ સમાપન સમારોહમાં યોજાનારી ‘પરેડ ઓફ નેશન્સ’માં ભારતના ધ્વજ વાહક હશે. શ્રીજેશ ઓલિમ્પિક 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સિનિયર ખેલાડીઓમાંથી એક છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતને હોકીમાં બ્રોન્ઝ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર શ્રીજેશે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ટીમને બ્રોન્ઝ જીતવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
દેશને 5 બ્રોન્ઝ અને એક સિલ્વર સહિત કુલ 6 મેડલ મળ્યા
પેરિસ ઓલિમ્પિકમાં ભારતના પ્રદર્શન પર નજર કરીએ તો દેશને 5 બ્રોન્ઝ અને એક સિલ્વર સહિત કુલ 6 મેડલ મળ્યા છે. મનુ ભાકર, સરબજીત સિંહ, સ્વપ્નિલ કુસલે, નીરજ ચોપરા, અમન સેહરાવત અને ભારતીય હોકી ટીમે ભારત માટે મેડલ જીત્યા હતા. નીરજ ચોપરા સિવાય અન્ય તમામે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.