Rohit Sharma: ફાઇનલમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 7 વિકેટના નુકસાન પર 176 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ અડધી સદીની ઇનિંગ રમી હતી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકા દબાણ હેઠળ વિખેરાઈ ગઈ અને સાત રનથી મેચ હારી ગઈ. આફ્રિકા 20 ઓવરમાં 8 વિકેટે 169 રન જ બનાવી શકી હતી.
ભારત 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનું વિજેતા બન્યું છે. ભારતે દક્ષિણ આફ્રિકાને નજીકની મેચમાં હરાવીને 11 વર્ષ બાદ ICC ટ્રોફી જીતી છે. ભારતની જીત બાદ કેપ્ટન રોહિત શર્માએ પોતાની ટીમના પ્રદર્શનનો શ્રેય તમામ ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટને આપ્યો હતો. સાથોસાથ ભારતીય ક્રિકેટ ચાહકોનો પણ તેમના સમર્થન માટે આભાર માન્યો હતો.
મેચ બાદ રોહિતે કહ્યું, છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં કરેલી મહેનતને શબ્દોમાં વ્યક્ત કરવી સરળ નથી. સાચું કહું તો આ સમયગાળા દરમિયાન અમે વ્યક્તિગત અને એક ટીમ તરીકે સખત મહેનત કરી છે. આજે આપણે જ્યાં છીએ ત્યાં સુધી પડદા પાછળ ઘણી મહેનત કરી છે. આ એવું નથી જે અમે માત્ર આજે કર્યું છે પરંતુ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી અમે આ પ્રકારનું ક્રિકેટ રમી રહ્યા છીએ. આજે આપણને તેનું પરિણામ મળ્યું છે.
ખેલાડીઓ દબાણને હેન્ડલ કરવાની કળા જાણે છે
રોહિતે વધુમાં કહ્યું કે, અમે પહેલા પણ આવી પ્રેશરથી ભરેલી મેચો રમી ચુક્યા છીએ અને તે મેચોમાં અમે હારનો સામનો પણ કર્યો છે, પરંતુ અમારી ટીમના ખેલાડીઓ જાણે છે કે આવી પરિસ્થિતિઓમાંથી કેવી રીતે બહાર આવવું. આજે અમે જે રીતે રમ્યા તે તેનું ઉત્તમ ઉદાહરણ હતું. જ્યારે એવું લાગતું હતું કે મેચ દક્ષિણ આફ્રિકાની તરફેણમાં જઈ રહી છે ત્યારે પણ અમે એક ટીમ તરીકે સાથે ઊભા હતા. અમે કોઈપણ કિંમતે આ ટ્રોફી જીતવા માગતા હતા.
રોહિત શર્માએ ચાહકોનો આભાર માન્યો
રોહિતે કહ્યું, મને અમારા ખેલાડીઓ પર ગર્વ છે અને ન્યૂયોર્કથી બાર્બાડોસ સુધી ફેન્સે જે રીતે અમને સપોર્ટ કર્યો તે માટે હું આભાર માનું છું. હું તેમને આ અપાર સમર્થન માટે સલામ કરું છું અને મને ખાતરી છે કે ભારતમાં પણ લાખો ચાહકો આ સમયે અમને જોતા હશે. અમારી જેમ તે પણ આ ટ્રોફીની રાહ જોઈ રહ્યો હતો. આ ટ્રોફી તેમના માટે છે.