મુંબઈ કબૂતરખાના કેસમાં સુપ્રીમ કોર્ટનો દખલથી ઇનકાર: અરજદારને હાઈકોર્ટ જવાની સલાહ
મુંબઈમાં કબૂતરોને ખવડાવવાની પરંપરાને લઈને ચાલતી કાનૂની લડતને વધુ એક મોટો વળાંક મળ્યો છે. સુપ્રીમ કોર્ટે કબૂતરખાના બંધ કરવા સામે દાખલ અરજી પર સુનાવણી કરવાનું નકાર્યું છે અને અરજદાર પલ્લવી સચિન પાટીલને બોમ્બે હાઈકોર્ટમાં પોતાનો કેસ રજૂ કરવાની સલાહ આપી છે.
અરજદાર પલ્લવી પાટીલએ બૃહન્મુંબઇ મહાનગરપાલિકા (BMC) દ્વારા કબૂતર ખવડાવવા પર મૂકાયેલા પ્રતિબંધ અને હાઈકોર્ટના સ્ટે ઓર્ડર ન આપવાના નિર્ણય સામે દેશની સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરી હતી. તેમણે કબૂતરોને ખવડાવનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ વિજય બિશ્નોઈની બેન્ચે સ્પષ્ટ કહ્યું કે જ્યારે એ જ મુદ્દો બોમ્બે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, ત્યારે સુપ્રીમ કોર્ટને દખલ કરવાની જરૂર નથી. “એક જ મુદ્દે બે અલગ અલગ અદાલતોમાં સમાંતર કાર્યવાહી યોગ્ય નથી. જે કહેવું હોય તે હાઈકોર્ટમાં કહો,” એવું કોર્ટે જણાવ્યું.
બીએમસીએ તાજેતરમાં જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને એવા સ્થળો પર કબૂતરોને ખવડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે જ્યાં તેમની સંખ્યા વધતી જતી હોય. મ્યુનિસિપલ તંત્રનું કહેવું છે કે કબૂતરોના ચિર્પ અને વાયુમાં ફેલાતા માઈક્રોસ્પોરિડિયા જેવી ફૂગના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ, એલર્જી અને ફેફસાની બીમારીઓ થવાની શક્યતા રહે છે.
બીજી તરફ, કબૂતર પ્રેમીઓ અને કેટલાક રહેવાસીઓએ આ પગલાને ક્રૂરતા ગણાવી છે અને તેમના મતે, કબૂતરોને ખવડાવવી માત્ર ધર્મ કે સંસ્કૃતિ સાથે નહીં પરંતુ દયાભાવ સાથે પણ જોડાયેલી છે.
24 જુલાઈ 2025ના રોજ બોમ્બે હાઈકોર્ટની બેન્ચે પણ આ કેસમાં સ્ટે ઓર્ડર આપવા ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે જાહેર સ્વાસ્થ્ય અતિ મહત્વનું મુદ્દો છે. હાલ આ મામલો હાઈકોર્ટમાં ચાલુ છે અને ફેંસલો હજી બાકી છે.