સુરત: વોટ ચોરીના વિવાદ વચ્ચે સુરતમાં મતદાર યાદીની ચકાસણી કરવા કોંગ્રેસ નેતા દર્શન નાયકની માંગણી
કેન્દ્રીય ચૂંટણી પંચની સામે વિપક્ષોએ સામૂહિક રીતે મોરચો ખોલીને વોટ ચોરીના મુદ્દે મોટાપાયા પર આંદોલન શરુ કર્યું છે ત્યારે સુરત જિલ્લામાં પણ વોટ ચોરીનો મુદ્દો ગાજવા માંડ્યો છે. સુરત જિલ્લા કોંગ્રેસના નેતા અને ગુજરાત કોંગ્રેસના મંત્રી દર્શન નાયકે જિલ્લામાં મતદાર યાદીમાં ચકાસવા કોંગ્રેસની માંગણી કરી છે.
દર્શન નાયકે કલેક્ટરને પત્ર લખી મતદાર યાદીની ચકાસણી કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે ખોટી રીતે અને એક કરતા વધુ જગ્યાએ મતદાર યાદીમાં નામ ધરાવતા મતદારોની ચકાસણી કરવાની જરુરિયાત રહેલી છે.લોકો ઘણી વખત અજાણતામાં અથવા જાણકારીનાં અભાવે મતદાર કાર્ડ બે અલગ અલગ જગ્યાએ બનાવી લે છે,પરંતુ જુનું કાર્ડ રદ કરાવતા નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે સુરત જિલ્લાની મતદાર યાદીમાં ડુપ્લિકેટ નામો દૂર કરવા નિષ્પક્ષ તપાસ સમિતિ બનાવવા માટે કલેક્ટર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. બે-બે જગ્યાએ મતદાર કાર્ડ ધરાવતા લોકોની ઓળખ કરી નામ રદ કરવાની કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત ઔદ્યોગિક વસાહતોમાં કામ કરતા પરપ્રાંતિયના નામો વતનની મતદાર યાદીમાં જરુરથી તપાસ કરવાની રહે છે. સુરતમાં ભાડા કરારના આધારે અનેક નામો મતદાર યાદીમાં ચઢાવી દેવામાં આવ્યા હોવાની આશંકા છે.