સુરતની કુખ્યાત સદ્દામ-ગોડીલ અને ભાગેડુ ફૈઝલ વિરુદ્વ નોંધાયા છે ઢગલાબંધ ગુના, એવાં કુકર્મો આચર્યા કે શૈતાન પણ શરમાઈ જાય,આ છે ગુનાઓનો કાળો ચિઠ્ઠો
ઈસ્લામમાં કિરામન અને કાતેબિન એમ બે ફરિશ્તા છે. કિરામન નેકી એટલે પૂણ્ય લખે છે જ્યારે કાતિબિન બદી એટલે કે પાપનો હિસાબ રાખે છે. આ નેકી-બદીના ફરિશ્તાઓ છે. પણ સુરતની કુખ્યાત સદ્દામ-ગોડીલ ગેંગનાં કૃત્યો એવા છે કે ફરિશ્તાઓ તો શું પણ શૈતાન સુદ્વાં શરમાઈ જાય. પૈસા માટે આ અસામાજિક તત્વો ગમે તે હદે પહોંચી જતા પણ ખંચકાતા ન હતા. ઈમ્તિયાઝ સદ્દામ અને શાહીદ ગોડીલનાં ગુનાઓનો કાળો ચિઠ્ઠો બહુ લાંબો છે.આમાં ભાગેડુ ફૈઝલ સદ્દામ સામે પણ ઢગલાબંધ ગુના નોંધાયા છે. સદ્દામ-ગોડીલ ગેંગે રાંદેર-ગોરાટ રોડ જ નહીં પણ સુરતમાં પોતાની ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડીકેટ બનાવીને સોપારી અને ખંડણીથી લઈ હવાલા અને યુએસડીટી સહિતનાં કાળા કારનામાઓને અંજામ આપ્યો છે.
પોલીસ તપાસમાં તો ઈમ્તિયાઝ સદ્દામ પોતાનો ધંધો કન્સ્ટ્રક્શનનું હોવાનું જણાવે છે.
તેનું પુરું નામ ઇમ્તિયાઝ ઉર્ફે ઇમ્તિયાઝ સદામ ઇકબાલ બચાવ છે. તે સુરત, રાંદેર રોડ, અડાજણ પાટીયા વિસ્તારમાં આવેલા ન્યુ ગોરાટ રોડની એક્સકલૂઝીવ હાઈટ્સ નામની વૈભવી બિલ્ડીંગનાં 801 નંબરના ફ્લેટમાં રહે છે. આ ઈમ્તિયાઝ સદ્દામ મૂળ રાજકોટનાં ધોરાજીનાં ફુલવાડી રોડનો વતની છે. સુરતમાં આવ્યો તો કડકા-બાલુસ હતો. સોપારી અને ખંડણી તથા કાપડના તાકાની ચોરી સહિત કાપડની પેઢીઓનાં ઉઠમણા કરીને ઓછા સમયગાળામાં લખપતિ-કરોડપતિ બની ગયો અને તેની સાથે તેનો નાનો ભાઈ ફૈઝલ સદ્દામ તેમજ શાહીદ ગોડીલ જોડાયો.
બીજી તરફ આ ગેંગમા નંબર-2ની પોઝીશન ધરાવતો શાહીદનું પુરું નામ શાહીદ શબ્બીર ગોડીલ છે.
તેણે પોતાનો ધંધો એક્સપોર્ટ-ઈમ્પોર્ટનો બતાવ્યો છે અને બી-401, ટ્વીન હાઇટ્સ ટાવર, અઝીઝ કોમ્યુનિટી હોલ પાછળ, ન્યુ ગોરાટ રાંદેર રોડ, સુરત ખાતે રહે છે. તે પણ મૂળ રાજકોટના ધોરાજીનો છે. જ્યારે ઈમ્તિયાઝ સદ્દામનો ભાગેડુ ભાઈ ફૈઝલ સદ્દામ અલફેશાની ટાવર જીલ્લાની બ્રિજ પાસે રાંદેર સુરત ખાતે રહે છે.
વિગતો મુજબ સદામ ગૌડીલ ગેંગના મુખ્ય લીડર ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તિયાઝ સદામ ઈકબાલ બચાવ
તથા ફૈઝલ ઈકબાલ બચાવ તથા શાહીદ શબ્બીર ગોડીલ સાથે મળી સંગઠીત ગુના આચરતી ટોળકી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડીકેટ ચલાવી રહ્યા હતા.
ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તિયાઝ સદામ ઈકબાલ બચાવ તથા (૨) ફૈઝલ ઈકબાલ બચાવ તથા (૩) શાહીદ શબ્બીર ગોડીલ ગેંગએ હાલનો ચોકબજાર પો.સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા એકટ.૨૦૨૩ (બી.એન.એસ) કલમ.૩૦૯(૬), ૩૫૧(૩), ૩૫૨, ૬૧(૨), ૩(૫) તથા જી.પી.એક્ટ 135 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઉપરાંત ધી ગુજરાત કંટોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એકટ (GCT0) 2015ની કલમ 3(1)(2), ૩(૨) તથા કલમ-3(4) મુજબની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.
ઇમ્તિયાઝ ઉર્ફે ઇમ્તિયાઝ સદામ ઇકબાલ બચાવની વિરુદ્વમાં લૂંટ.1 તથા બળજબરી કાઢવી લેવાના-5 તથા ચીટીંગ.1 ગુનાઓ દાખલ થયેલા છે. ઈમ્તિયાઝ સદ્દામની સામે લાલગેટ પોલીસ સ્ટેશન, અમરોલી, ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ત્રણ કેસ, ડીસીબીમાં એક કેસ, અઠવા પોલીસ સ્ટેશનમાં એક કેસ તથા જીપીએક્ટ સહિત કુલ સાત ગુના દાખલ થયેલા છે.
શાહીદ ગોડીલની સામે ચોકબજાર, અમરોલી, વરાછા, લાલગેટ એમ ચાર પોલીસ સ્ટેશનમાં પાંચ ગુના દાખલ થયેલા છે. જ્યારે ફૈઝલ સદ્દામની સામે ચોકબજારમાં ત્રણ, અમરોલીમાં એક અને લાલગેટ પોલીસ સ્ટેશનમાં એક ગુના સહિત પાંચ ગુના નોંધાયેલા છે. હાલમાં ફૈઝલ સદ્દામ ફરાર છે. સંયુક્ત રીતે આ ત્રણેય આરોપીઓની સામે કુલ 17 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.