સુરતમાં ફરી નકલી કાંડ, પૂણા વિસ્તારની બે ડેરીમાંથી નકલી માખણ ઝડપી પાડતી સુરત SOG
સુરતમાં નકલી કોસ્મેટિકનાં ગોડાઉન પર પોલીસે રેડ કરી ડૂપ્લિકેટ કોસ્મેટિક વસ્તુઓ કબ્જે કરી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કર્યા બાદ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પૂણા વિસ્તારમાં આવેલી અને ડુપ્લિકેટ માખણ બનાવતી બે ડેરી પર દરોડો પાડી ડુપ્લિકેટ માખણનો જથ્થો ઝડપી પાડ્યો છે.
સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(SOG)નાં ડીસીપી રાજદીપસિંહ નકુમે વિગતો આપતા જણાવ્યું કે સુરતનાં પુણા વિસ્તારમાં આવેલી બે ડેરીમાંથી ડુપ્લિકેટ 80 કિલો માખણ ઝડપી પાડવામાં આવ્યું છે. પુણા વિસ્તારમાં ખોડીયાર ડેરીમાં તપાસ કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી હતી.
સુરત SOGએ અલગ અલગ સ્પેશિયલ ટીમો બનાવી મીઠાઈની દુકાનોમાં ચકાસણી કરી નકલી માખણ ઝડપી પાડ્યું હતું. 80 કિલો માખણ તેમ 70 કિલો માખણ બનાવવાનો રો મટીરીયલ રેડ દરમિયાન મળી આવ્યું હતું.પોલીસે 36000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ડીસીપી રાજદીપસિંહ નકુમે વધુમાં જણાવ્યું કે તહેવારોમાં મીઠાઈ અને પનીરનું વેચાણ વધારે થતું હોય છે તેના કારણે નકલી અને ખરાબની પરખ થઈ શકતી નથી. તહેવારની સિઝનનો લાભ લઈ નકલી ભેળસેળયુક્ત વસ્તુઓ લોકોને આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે, તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.