સુરત: Vips કંપનીનું 100 કરોડનું કૌભાંડ, દુબઈ બેઠેલા વિનોદ ખોટીના ઈશારે ચલાવી હતી પોન્ઝી સ્કીમ
ઈડીએ જપ્ત કરી 80 કરોડથી વધુની સપત્તિ
પોન્ઝી સ્કીમના નામે કરોડો રુપિયા ઉસેટીને લોકોને રાતાપાણીએ નવડાવી દેનારી સુરત સ્થિત Vips કંપની 100 કરોડ રુપિયાના કૌભાંડમાં ઈડી દ્વારા લાગલગાટ તપાસ અને દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઈડીએ અત્યાર સુધી 80 કરોડ રુપિયા કરતાં વધારાની સંપત્તિ જપ્ત કરી હોવાની વિગતો જાણવા મળી રહી છે.
વિગતો મુજબ ઈડીએ જૂન મહિના દરમિયાન સુરત,અહમદ નગર,કોલ્હાપુર, પૂણે સહિત વિવિધ સ્થળે તપાસ કરી હતી,તપાસનાં અંતે ઈડીએ જે તે વખતે 75 કરોડથી વધુની સંપતિ જપ્ત કરાઈ હતી,ત્યારબાદ વધુ 14 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.
Vips કંપનીએ પોન્ઝી સ્કીમ હેઠળ લોકો પાસેથી મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ, ફોરેક્સ ટ્રેડિંગના નામે રોકાણ કરાવડાવ્યું હતું સામાન્ય લોકો પાસેથી 100 કરોડથી વધુનું રોકાણ કરાવ્યા બાદ આ કંપની રાતોરાત ઉઠમણું કરતાં અનેક લોકોના નાણા સલવાઈ જવા પામ્યા હતા.
આ સમગ્ર કૌભાંડના સૂત્રધાર અને માસ્ટર માઈન્ડ તરીકે દુબઈ બેઠેલા વિનોદ ખોટીનું નામ બહાર આવ્યું છે.
વિનોદ ખોટીના ઈશારે સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને સુરતમા તેના સાગરિતો તથા અન્ય કૌભાંડીઓ પોન્ઝી સ્કીમ ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ થી લઇ અલગ અલગ લોભામણી લાલચો આપી રોકાણ કરાવ્યું હતું.
કરોડોના નાણા ક્રિપ્ટો અથવા વર્ચ્યુઅલ એસેટસમા રૂપાંતર કરી હવાલા દ્વારા દુબઈ મોકલવામાં આવતા હતા. હવાલો ઓપરેટર સહિત અન્ય કૌભાંડકારીઓનાં કારનામાઓ હવે પછીની તપાસમા ખૂલવાની શક્યતા જોવા મળી રહી છે.