આજે વિશ્વ થેલેસેમિયા દિવસ છે ત્યારે સુરત પોલીસ દ્વારા દર મહિને થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તદાન કેમ્પ યોજવામાં આવતો હોવાની વાત સામે આવી છે.
આજે વિશ્વ થેલેસેમિયા દિવસ છે ત્યારે સુરત પોલીસે થેલેસેમિયાના દર્દીઓ માટે બ્લડ એકત્ર કરવાનું અભિયાન શરૂ કર્યું છે જેમાં દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
અત્યાર સુધીમાં બે પોલીસ સ્ટેશનમાં 1000 યુનિટથી વધુ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે.
30 માર્ચના રોજ ડુમસ પોલીસ દ્વારા ડુમસના સ્થાનિક લોકો માટે સ્મીમેર હોસ્પિટલની મેડિકલ ટીમના સહયોગથી રક્તદાન કેમ્પ
ડુમસ પોલીસ કમ્પાઉન્ડમાં જ યોજાયો હતો જેમાં સવારથી જ પોલીસકર્મીઓ અને હોમગાર્ડના જવાનોએ રક્તદાન કર્યું હતું.
જ્યારે તા.18 એપ્રિલના રોજ ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે રક્તદાન કેમ્પનો પ્રારંભ કરાયો હતો. આ કેમ્પમાં 1011 બોટલ રક્તદાન કરાયું હતું આ કેમ્પમાં સીપી અજય તોમરે પણ રક્તદાન કર્યું હતું.
આગામી કેમ્પનું આયોજન મે મહિનાના આગામી સપ્તાહમાં ખટોદરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવશે, જ્યારે જૂન મહિનામાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવશે.
આમ,સુરત પોલીસ દ્વારા થેલેસેમિયાના દર્દીઓ માટે દર મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.