આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે છે અને અહીંના રિંગ રોડ પર 1344 કરોડના ખર્ચે સાકાર થનારા દેશના સૌથી ઊંચા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરનાર છે.
આ બિલ્ડિંગ દેશનું સૌપ્રથમ સૌથી ઊંચું 27 માળનું ઓફિસ બિલ્ડીંગ હશે જેમાં સિવિક સેન્ટર, સિટિંગ એરિયા, મિટિંગ હોલ્સ, મલ્ટીપર્પઝ હોલ, લાઈબ્રેરી, એક્ટિવિટી રૂમની સુવિધા ધરાવતી આ બિલ્ડીંગો ઈન્ટીગ્રૅટેડ, સ્માર્ટ, ગ્રીન ટેક્નોલોજીથી સજ્જ હશે.
આ સાથે મુખ્યમંત્રી આજે સુરતમાં કુલ 2400 કરોડના પ્રકલ્પોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે અને પાલિકાના વિવિધ કાર્યરત પ્રોજેક્ટના રિવ્યૂ માટે અધિકારીઓ સાથે બેઠક પણ કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શનિવારે બપોરે 3.55 વાગ્યે સુરત એરપોર્ટ પહોંચશે ત્યાંથી સરકિટ હાઉસ પહોંચી મિટિંગમાં સામેલ થશે.
બેઠક બાદ સાંજે 5 વાગ્યે ઉધના દરવાજા નજીક જૂની સબ જેલવાળી જમીનનું ખાતમુહૂર્ત કરી વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ પણ કરશે.
સાથેજ 27 ઇલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપશે, તેમજ 293 કરોડના ખર્ચે જહાંગીરપુરા-પીસાદમાં 1534 તથા 1290 આવાસ અને ટીપી-44 જહાંગીરાબાદમાં 984 આવાસ, અલથાણમાં 300 આવાસ ખુલ્લા મુકશે જ્યારે મુગલીસરામાં ફાયર સ્ટાફ ક્વાટર્સનું લોકાર્પણ કરશે તેમજ
લિંબાયતમાં 2 આંગણવાડીનું લોકાર્પણ કરાશે ઉપરાંત કોયલી ખાડીના રીસ્ટ્રક્ચરિંગ, મોટા વરાછા આરોગ્ય કેન્દ્ર, સરથાણા વૉર્ડ ઓફિસ-વાંચનાલય તથા 60 કરોડના 13 મેેગાવોટના સોલાર પ્લાન્ટનું ખાતમુહૂર્ત પણ કરશે
સાંજે 6.15 વાગ્યે ગોડાદરા કેનાલ રોડ ખાતે આહીર સમાજના સમૂહલગ્નમાં હાજરી આપશે.
આમ,આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના સુરતમાં ભરચક કાર્યક્રમો હોય તંત્રમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે.