સુરતના ચંદનચોર વિરપ્પન પોલીસને બરાબર મથાવી રહ્યા છે. છ વર્ષ પૂર્વે બે વખત ચંદનનાં વૃક્ષોની ચોરી કરી ગયેલાઓ સુધી છ વર્ષ પછી પણ પોલીસ પહોંચી શકી નથી ત્યાં સોમવારે રાત્રે ગાંધીબાગમાંથી ચંદનના બે વૃક્ષો કોઈ વિરપ્પનો ચોરી ગયા છે. જેની ફરિયાદ નોંધી અઠવા પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરતમાં મક્કાઈ પુલ નજીક ગાંધીબાગ અને પક્ષીઘરમાં ચંદનના વૃક્ષો છે. જેની રખેવાળી માટે સુરત મહાનગરપાલિકા તરફથી વોચમેનની સુવિધા રાખવામાં આવી છે પણ ગુનો બને ત્યારે વોચમેન કોણ જાણે કામમાં આવતા નથી. આ વખતે સોમવારે રાત્રે તસ્કરો ચંદનનાં બે વૃક્ષો ચોરી ગયા તે વખતે ત્યાં હાજર ચોકીદારને ચક્કર આવી ગયા હોવાથી તે બાંકડા પર ઉંઘી ગયો હતો અને તસ્કરો ચંદનનાં બે વૃક્ષો ચોરવામાં સફળ રહ્યા હતા.
સુરત મહાનગરપાલિકાના ગાર્ડન સુપ્રિન્ટેન્ડટ ડો. એસ.જે. ગૌત્તમે કહ્યું હતું કે છેલ્લે છ વર્ષ પૂર્વે ગાંધીબાગ અને પક્ષીઘરમાંથી એક એક વૃક્ષ મળી કુલ બે વૃક્ષોની ચોરી થઈ હતી. તે વખતે ત્યાં ફરજ પરના વોચમેનને સસ્પેન્ડ કરી દેવાયા હતા અને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. તેનું હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી.
તેમણે વધુમાં કહ્યું કે તસ્કરો ચંદનનાં વૃક્ષોની ચોરી ન કરી જાય તે વાતને ધ્યાને લઈ મહાનગરપાલિકા તરફથી છ ફૂટ ઊંચું લોખંડના સળિયાનું પિંજરું બનાવાયું છે. આ કિસ્સામાં તસ્કરો લોખંડના સળિયા મશીન વડે કાપી ચંદનનાં બે વૃક્ષો ચોરી ગયા હતા.
તસ્કરો જાણકાર હોવાનું એટલા માટે કહી શકાય તેમ છે કે ચંદનનાં વૃક્ષમાંથી તસ્કરોને જેટલું લાકડું કામ આવે તેટલું લાકડું જ ચોરી ગયા છે. એટલે કે જમીનથી આશરે બે કે અઢી ફૂટ ઉંચાઈનું લાકડું જ ચોરી ગયા છે. વૃક્ષનો બાકીનો ભાગ ત્યાં જ રાખીને ગયા છે.