સુરત મહાનગરપાલિકાનું તંત્ર ખૂબ મોટું છે. અનેક વિકાસકામોને કેન્દ્રમાં રાખી મનપાએ સંખ્યાબંધ એવોર્ડ્ઝ પણ મેળવ્યા છે. માળખાગત સુવિધામાં પણ મોખરાનું સ્થાન ધરાવતી સુરત મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં વરસાદી પાણીને રોકવાનું કોઈ જાતનું નક્કર આયોજન કર્યું જ નથી. જેના કારણે દર વર્ષે સરેરાશ 414.02 અબજ લીટર વરસાદી પાણી દરિયામાં વહી જાય છે. આ પાણી જો રોકવામાં આવે તો સુરતને 376 દિવસ પાણી પુરૂ પાડી શકાય તેટલું પાણી થાય.
સુરત મનપાના એક નિવૃત્ત અધિકારીએ પોતાના અનુભવનો નિચોડ રજૂ કરતા કહ્યું હતું કે સુરતનો વિસ્તાર 326 ચોરસ કિલોમીટર છે. આ વિસ્તારમાં એક ઇંચ વરસાદ પડે એટલે 8.28 અબજ લીટર પાણી વરસે. સુરતમાં દર વર્ષે સરેરાશ 50 ઇંચ વરસાદ પડે છે. આ વાતને કેન્દ્રમાં રાખીને જો વાત કરવામાં આવે તો દર વર્ષે સુરતમાં 414.02 અબજ લીટર પાણી વરસાદના માધ્યમથી પ્રાપ્ત થાય છે. સુરતમાં હાલ પ્રતિદિન 1.10 અબજ લીટર પાણીની જરૂરિયાત છે. તેની સામે વરસાદ માત્ર એક જ ઇંચમાં આઠ દિવસ જેટલું પાણી વરસાવી દે છે. 414.02 અબજ લીટર પાણી સુરતને 376 દિવસ પાણી પુરૂ પાડી શકાય તેટલું થાય છે.
આશરે 55 લાખની વસતિ ધરાવતા સુરતમાં મહાનગરપાલિકા તરફથી વરસાદી પાણીને રોકવાની કે તેનો સંગ્રહ કરવાની કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. માત્ર બે-અઢી વર્ષ પૂર્વે એવો નિર્ણય કરાયો હતો કે મહાનગરપાલિકા હસ્તકની જેટલી પણ બિલ્ડિંગ છે તેમાં વરસાદી પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરવી. બે અઢી વર્ષ પછી પણ 100 ટકા કામગીરી થઈ નથી.
ખરેખર મહાનગરપાલિકાએ શું કરવું જોઇએ એ મુદ્દે એક તજજ્ઞનું કહેવું છે કે પાલિકાના તંત્ર તરફથી શહેરમાં અલગ અળગ વિસ્તારમાં તળાવ અને કૂવાની વ્યવસ્થા કરવી જોઇએ. જેમાં વધુમાં વધુ વરસાદી પાણી પહોંચાડી શકાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. હાલના તબક્કે વરસાદી પાણી જમીનમાં ઉતરતું જ નથી. જેનું પરિણામ એ આવ્યું કે ધરતી આગ ઓકવા લાગી છે. ઉનાળાના દિવસોમાં ધરતી એટલી ગરમ થાય છે કે તેના પર પાપડ શેકી શકાય.
મનપાએ બીજું એક કામ એ પણ કરવું જોઇએ કે હવે પછી કોઈ પણ બિલ્ડિંગનો પ્લાન પાસ કરે તેમાં વરસાદી પાણીને જમીનમાં ઉતારવાની વ્યવસ્થા ગોઠવે તો જ મંજૂરી આપવી જોઇએ. તો હવે પછીના સમયગાળામાં વરસાદી પાણીને જમીનમાં ઉતારી શકાય.
જુનું સુરત છે જેને કોટ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. તે ગોપીપુરા, નાનપુરા, મહિધરપુરા, સલાબતપુરા, શાહપોર, નાણાવટ વગેરે વિસ્તારમાં જૂનાં મકાનો છે તેમાં ભૂગર્ભમાં મોટા ટાકા રાખવાની વ્યવસ્થા હતી. જેથી આજે પણ 100 વર્ષ જૂનાં મકાનમાં વરસાદી પાણી સંગ્રહવાની સુવિધા છે. આ રીતે જો પ્રત્યેક એપાર્ટમેન્ટમાં પાણીને સંગ્રહવાની અને જમીનમાં ઉતારવાની વ્યવસ્થા ગોઠવવામાં આવે તો આવનારા સમયમાં લોકોને પાણી માટે વલખાં નહીં મારવા પડે એ હકીકત છે.