ઉત્તરાયણ પર્વ અગાઉ જ લોકો પતંગ ઉડાડવાનું ચાલુ કરે છે પણ તેઓ જાણતા નથી કે કાતિલ દોરી જીવલેણ બની રહી છે અને પક્ષીઓ તેમજ માનવ જિંદગી માટે કાળ બની રહી છે.
વડોદરામાં 30 વર્ષીય નેશનલ કક્ષાના હોકી પ્લેયર રાહુલનું પતંગની દોરીથી ગળુ કપાઈ જતા કરૂણ મોત થયા બાદ સુરતના કામરેજમાં પણ આવી ઘટના બની હતી.
કામરેજમાં બાઇક ઉપર જઈ રહેલા એક શ્રમજીવીનું પણ પતંગના દોરાથી ગળુ કપાતા કરૂણ મોત થઈ ગયું હતું.
વિગતો મુજબ નવા ગામના વતની અને લૂમ્સના કારખાનામાં મજૂરીકામ કરતા 52 વર્ષના બળવંત ઉર્ફે રાજુભાઈ પટેલ કામકાજ કરીને સાંજના સમયે ઘરે પરત ફરી રહ્યા હતા એ દરમિયાન કામરેજ ચાર રસ્તા પાસે ચાલુ બાઈકે તેમના ગળા પરથી પતંગનો દોરો આવી જતા અને જોરદાર ઘસરકો પડતા કાતિલ દોરીથી તેમના ગળાની નસો કપાઈ જતાં રાજુભાઈનું ઘટનાસ્થળે તેમનું મોત થતાં ભારે અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
આ ઘટનાને પગલે મૃતકના પરિવારમાં ભારે અરેરાટી ફેલાઈ જવા પામી હતી.