પ્રદેશ કોંગ્રેસના મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ મેઘના પટેલની સુરત પોલીસે પાસા હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.
આ પહેલા ગત બે માર્ચના રોજ મેઘના પટેલ પીપલોદ વિસ્તારમાં સાત લાખથી વધુ દારૂ હેરાફેરી કેસમાં ઉમરા પોલીસે પૂર્વ પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ સહિત બેની પ્રોહીબિશન એક્ટ હેઠળ ધરપકડ કરી હતી.
ત્યારબાદ હવે સુરત પોલીસ દ્વારા મેઘના પટેલ સામે પ્રોહીબિશનના કેસને લઈ પાસા હેઠળની કાર્યવાહી કરી છે. જેમાં સુરત પોલીસ દ્વારા મેઘના પટેલને પાસા હેઠળ અમદાવાદ જેલ ખાતે લઈ જવાયા હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વનુ છે કે મેઘના પટેલ કોંગ્રેસમાં પ્રદેશ લેવલના ઉચ્ચ હોદ્દા પર રહી ચૂક્યા છે તેમજ પ્રદેશના અને રાષ્ટ્રીય કક્ષાના કોંગ્રેસના નેતાઓ સાથે એક સમયે ખૂબ નજીક મનાતા હતા.
છેલ્લે તેઓ પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ તરીકે રહ્યા હતા.
જોકે, મેઘના પટેલનું નામ વિવાદમાં આવવા લાગતા કોંગ્રેસ દ્વારા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
પૂર્વ પ્રદેશ કોંગ્રેસના મહિલા મોરચાના ઉપપ્રમુખ તરીકે રહી ચૂકેલા મેઘના પટેલ સુરતમાં 7,65,000ના દારૂના કેસમાં પકડાયા તે અગાઉ નવસારી ખાતે પણ દારૂની હેરાફેરીમાં પકડાયા હતા તે સિવાય મેઘના પટેલ દ્વારા એક યુવકનું અપહરણ અને માર મારવાના કેસમાં ધરપકડ થઈ હતી. આ સિવાય પણ અગાઉ ભૂતકાળમાં મેઘના પટેલ સામે ધાક ધમકીના કેટલાક કેસો સુરતમાં થયા છે. જેને લઇ આ વખતે દારૂની હેરાફેરીમાં મેઘના પટેલ પકડાતા સુરત પોલીસે તેને પાસા હેઠળ કાર્યવાહી કરી અમદાવાદ જેલ હવાલે કર્યા છે.