આજકાલ સોશ્યલ મીડિયાનો જમાનો આવી ગયો છે અને મોબાઈલમાં ફોટા અને વીડિયો બનાવી બદનામ કરવાની ધમકી આપી પૈસા પડાવવાનો જાણે ધંધો થઈ ગયાની ઉઠી રહેલી ફરિયાદો વચ્ચે સુરતના સચીનમાં વરસાદી પાણી નીકળવાના નાળામાં કલર કેમિકલવાળું પાણી છોડવામાં આવતું હોવાનો વિડીયો બનાવી કંપનીને બતાવી રૂ. ગભરૂ ભરવાડ અને તેના સાથીદારો એ રૂ. 8 થી 10 લાખ માંગતા આખરે તોડ અંગેનો મામલો સચીન પોલીસમાં પહોંચ્યો છે.
સચીન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગોકુલાનંદ પેટ્રોફાઇબર્સ નામની યાર્ન બનાવવાની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા નવીન સુરેશ જાંગીડએ આપેલી ફરિયાદ બાદ
પોલીસે ગભરૂ ભરવાડ (રહે,નવકાર રેસીડન્સી,સચીન જીઆઇડીસી), નાજુ ભરવાડ (રહે,સ્લમ બોર્ડ,સચીન), લાલો ભરવાડ(રહે,પારડી,સચીન) અને કનુ ભરવાડ(રહે,સ્લમ બોર્ડ,સચીન)ની સામે ખંડણીનો ગુનો નોંધ્યો છે.
વિગતો મુજબ તા10મી ઓગસ્ટે કંપનીના માલિક પર ગભરૂ ભરવાડે વોટસએપ પર એક વિડીયો મોક્લ્યો હતો.
વિડીયોમાં પલસાણા મુખ્ય રોડ પર ગોકુલાનંદ પેટ્રોફાઇબર્સ કંપનીના નાળા અને ખેતરોમાં ઝેરી રસાયણ યુક્ત કેમિકલ છોડીને પ્રદૂષણ થઈ રહ્યાનું જણાવ્યું હતું.
જો કે ગભરૂ ભરવાડે કંપનીની બાજુમાં હાઇવે પરનું વરસાદી પાણી નીકળવાના નાળામાં કલર કેમિકલ કે અન્ય કોઈ પદાર્થ આગળથી નાખી વિડીયો બનાવી કંપનીને બદનામ કરવાનું કાવતરૂ હોવાની વાત સામે આવતા કંપનીના માલિકે ટ્રાન્સપોર્ટનો કોન્ટ્રાકટર ચલાવતા રણછોડ બાબરીયાને વાત કરી હતી. કોન્ટ્રાકટરે ગભરૂને કોલ કરી કંપનીને ખોટી રીતે બદનામ નહિ કરવા જણાવ્યું હતું. આથી ગભરૂએ કહ્યું કે તમારા શેઠ 8 થી 10 લાખ રૂપિયા આપે તો સમાધાન થાય નહિ તો કંપની વિરુધ્ધ જીપીસીબીમાં ખોટી ફરિયાદો કરી વિડીયો મોકલી કંપનીને મોટો દંડ કરાવી બંધ કરાવી દઈશું, એવી ધમકી આપી હતી પરિણામે થોડા દિવસો બાદ કંપનીની બહાર અને ફરતે સીસીટીવી કેમેરા લગાડયા હતા.
આ કેમેરા ચેક કરતા પાછળના ગેટ પર બે ઈસમો આવી વેસ્ટ કચરૂ નાખી વિડીયો બનાવતા દેખાયા હતા.
જે બે ઈસમો પૈકી એકનું નામ નાજુ ભરવાડ અને બીજાનું લાલો ભરવાડ છે. આવી જ રીતે ગભરૂ ભરવાડ વિડીયો મોકલી કંપનીના માલિકના મોબાઇલ પર મોકલતો હતો. આ ઉપરાંત 28મી ઓગસ્ટે બાઇક લઈ નાજુ ભરવાડ, કનુ ભરવાડ અને મોપેડ પર લાલો ભરવાડ કંપનીના ગેટ પાસે આવી ફોટા પાડતા હોવાની વાત સામે આવતા પોલીસે આ પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે.