સુરતમાં ધોળે દિવસે બમરોલીના કારખાનેદારના લમણે તમંચો મૂકી લૂંટ કરનાર ત્રણ લૂંટારુ ઝડપાયા
સુરતના બમરોલીના હરિઓમ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ગત સોમવારે ધોળે દિવસે ઓફિસમાં ઘુસી લુમ્સ કારખાનેદારને તમંચાની અણીએ બાનમાં લઇ રોકડ, મોબાઇલ ફોન અને બાઇક મળી રૂ. 65 હજારથી વધુની લૂંટ ચલાવવામાં આવી હતી. આ લૂંટની ઘટનામાં ત્રણ લૂંટારુને પાંડેસરા પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
વિઓ::સુરત બમરોલી રોડ પર હરિઓમ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના લુમ્સ કારખાનેદાર વિપુલ અમૃતલાલ પટેલ (ઉ.વ. 45 રહે. 40, આર્શીવાદ કુંજ સોસાયટી, અલથાણ અને મૂળ. વરવાડા, તા. ઉંઝા, જિ. મહેસાણા) પાંચ દિવસ અગાઉ કારખાનામાં પોતાની ઓફિસમાં બેસી કારીગરોના પગારની રકમ ગણી રહ્યા હતા. ત્યારે એક લૂંટારૂ ઓફિસમાં ઘુસી જઇ દરવાજો અંદરથી બંધ કરી વિપુલના લમણે તમંચો મુકી જો પૈસા હૈ વો દે દે એમ કહી રોકડા રૂ. 51,400 ઉપરાંત મોબાઇલ ફોન અને પર્સ લૂંટી લીધા હતા અને બાઇક કી ચાવી લા એમ કહી ચાવી લઇ ઓફિસનો દરવાજો બહારથી બંધ કરી બાઇક લઇ ભાગી ગયો હતો.
લૂંટની ઘટનામાં પાંડેસરા પોલીસે ત્રણ લૂંટારૂ અમીત રાજેન્દ્ર નિશાદ (ઉ.વ. 18 રહે. જય અંબેનગર, તેરેનામ રોડ, પાંડેસરા), સુરેશ રામસજીવ નિશાદ (ઉ.વ. 36 રહે. 33, ગુરૂકૃપા સોસાયટી, ગભેણી-સચિન જીઆઇડીસી રોડ), રામભજન રામઆશરે નિશાદ (ઉ.વ. 28 રહે. ક્રિષ્ણાનગર સોસાયટી, તેરેનામ રોડ, પાંડેસરા) ને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. હાલમાં પોલીસ દ્વારા ત્રણેય લૂંટારૂઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.