આજકાલ તોડ કરવાના બનાવો વધી ગયા છે તેવે સમયે સુરતમાં એક પોલીસ કોન્સ્ટેબલે પુણાના એક મેડિકલ સ્ટોરના માલિકને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી દોઢ લાખ માંગ્યા બાદ રૂ. 50 હજારનો તોડ કર્યો હતો.
જોકે, મેડિકલ સંચાલકે આ અંગે પોલીસ કમિશનરમાં ફરિયાદ કરતા મેડિકલ સંચાલકને પોલીસ સ્ટેશનમાં બોલાવી રૂ.50,000 પરત આપી દેવાની ફરજ પડી હતી.
આ બાબતે મેડીકલ સ્ટોરના વેપારી ભવાનીશંકર રામલાલે પુણા પોલીસમાં સત્તાવાર ફરિયાદ કરતા પોલીસે પંકજ નામના પોલીસકર્મીએ સહિત 5 સામે ખંડણીના ગુનો નોંધ્યો છે.
પુણામાં અર્ચના સ્કૂલ પાસે વેલનેસ મેડિકલ સ્ટોર ચલાવતા ભવાની શંકરે
જણાવ્યું કે, એક ગ્રાહક માથાના દુઃખાવાની ગોળી લેવા આવ્યો હતો તે વખતે જ ત્યાં પુણા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ પંકજ ડામોર ત્યાં આવી ચડ્યો હતો અને પ્રતિબંધીત ડ્રગ્સનું વેચાણ કેમ કરો છો એમ કહી નાર્કોટિક્સ એક્ટ હેઠળ કેસ કરવાની ધમકી આપી હતી પરિણામે મેડિકલ સંચાલક ભવાની શંકરે કોન્સ્ટેબલને સમજાવ્યું કે ભાઈ આ દવા શિડ્યુલ ડ્રગ્સમાં આવતી નથી તેમછતાં કોન્સ્ટેબલ પંકજે તેમને રિક્ષામાં બેસાડી પોલીસ કેસ કરવાની ધમકી આપી પતાવટ કરવા રૂ.દોઢ લાખની માગણી કરી વેલનેસ મેડિકલ સ્ટોર સંચાલકના પુત્ર અને પત્નીને પણ પોલીસ સ્ટેશને બોલાવી અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા.
બાદમાં મેડિકલ સંચાલકના પુત્રને લઈ લાંચીયા પોલીસકર્મીએ પોતાની મોપેડ પર વરાછા પોદ્દાર આર્કેડ પાસે લઈ જઈ પહેલા મોપેડમાં પેટ્રોલ પુરાવ્યું પછી એટીએમમાંથી રૂ.50 હજાર કઢાવ્યા હતા.
પોલીસકર્મીએ 50 હજારનો તોડ કરતા આ અંગે ભવાનીશંકરે પોલીસ કમિશનરમાં ફરિયાદ કરતા મામલો ઉચ્ચ પોલીસ અધિકારી સુધી પહોંચતા આખરે પોલીસકર્મીએ 50 હજાર પરત આપી દીધા હતા.
આ ઘટના બાદ સંચાલક્ની ફરિયાદના આધારે પોલીસે પંકજ નામના પોલીસકર્મીએ સહિત 5 સામે ખંડણીનો ગુનો નોંધતા લાંચિયા પોલીસકર્મીઓમાં ફફડાટ ફેલાયો છે.