સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલા સાંઈનગરમાં ભાડાની રૂમમાં રહેતા બે રૂમમેટ વચ્ચે ઘરકામ કરવા બાબતે થયેલી લડાઈ લોહિયાળ બની હતી. ઝઘડાની અદાવતમાં મિત્રને માથામાં લોખંડની તપેલી અને કુકર વડે માર મારીને હત્યા કરી હતી.પોલીસે હત્યારાની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે.નાની નાની બાબતે ઉગ્ર બોલાચાલી બાદ શાબ્દિક બોલાચાલીથી શરૂ થયેલી વાત હત્યા સુધી પહોંચી ગઈ હતી.
સચિન GIDC હાઉસ નં. 29, 30માં ભાડાની રૂમમાં રહેતો કલ્લુ બડકુ નિષાદ એક સપ્તાહ પહેલા તેના પિતરાઈ ભાઈ પવન પતરાખન નિશાદ સાથે રહેવા આવ્યો હતો.પવન રહેવા આવ્યાના બે દિવસમાં જ ઘરમાં પાણી ભરવા અને કરિયાણું લાવવા બાબતે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. તેથી કલ્લુએ તેના અન્ય રૂમમેટ રામચંદ્ર ગુપ્તાને પવનને રૂમ ખાલી કરવા કહ્યું. જોકે જ્યારે પવને આ વાતની ખબર પડી ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
હત્યાના આરોપીની ધરપકડ
કલ્લુને લોખંડની તપેલી અને કુકર વડે માથામાં ફટકો મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સચિન GIDC પોલીસે હત્યાનો ગુનો નોંધી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પવન નિષાદની ધરપકડ કરી. ઉલ્લેખનીય છે કે કલ્લુ GIDCની મિલમાં છૂટક કામ કરતો હતો જ્યારે પવન સંચા વિભાગમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.