સુરત જેવા વિકસિત ગણાતા મેટ્રો શહેરમાં વિવિધ ઝોનમાં આવેલી શિક્ષણ સમિતિની 20થી વધુ શાળાઓ જર્જરિત અને ભંગાર થઈ ગઈ હોવાછતાં તંત્ર કુંભકર્ણની નિદ્રામાં પોઢી ગયું છે.
આવી ગમેત્યારે તૂટી પડે તેવી શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ, શિક્ષકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.
આ ભંગાર શાળાની ઈમારતના ઘણા ભાગોમાંથી પોપડા પડતા રહે છે,
વર્ગખંડની છત પરથી પાણી ટપકે છે જે વર્ગમાં બાળકોને બેસાડવામાં આવે છે. તેની છતમાંથી જ પાણી ટપકતું હોય છે અને તિરાડોને સિમેન્ટથી પુરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શિક્ષકોના જણાવ્યા મુજબ, આ માટે તેઓએ અનેક વખત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે પણ વાત કરી છે, પરંતુ તેમ છતાં કામગીરી થઈ રહી નથી. કોઈક રીતે તેમને કામ ચલાવવું પડશે.
પિલરો જ નબળા, સળિયામાં કાટ લાગ્યા
મ્યુનિસિપલ કોર્પોરેશનની શિક્ષણ સમિતિની શાળાના નબળા પિલરો પર બિલ્ડિંગ ઉભું છે. તેના સળિયામાં કાટ દેખાવા લાગ્યો છે. ક્યાંક કાટમાળ પડી ગયો છે. 20 જર્જરિત શાળા ગમેત્યારે તૂટી પડે તેમ છે ત્યારે તંત્ર મોટી દુર્ઘટના ની જાણે રાહ જોઈ રહ્યું હોવાનું જણાય રહ્યું છે.
જોકે,તંત્રના જવાબદારો કહે છે કે ટુક સમયમાં આધુનિક બે માળના બિલ્ડિંગ બની જશે તેમાં બાળકોને શિફ્ટ કરવામાં આવશે પણ હાલ કોઈ દુર્ઘટના બનશે તો કોણ જવાબદારી લેશે? વાલીઓ જ્યારે શિક્ષકને પુછેતો તેઓ કહે કે આ સરકારી શાળા છે. સરકારના નિર્ણય પર કામ થતું હોય છે.
આમ,વાલીઓ પાસે બીજો કોઈ વિકલ્પ નહિ હોવાથી બાળકોની ચિંતા સતાવી રહી છે.