સુરતમાં લેબ હોવા છતાં વિદેશમાંથી આવતા મુસાફરોના સેમ્પલ લઇને ગાંધીનગર અને પુણે મોકલવામાં આવી રહ્યા છે.સુરતમાં શરૂ કરવામાં આવેલી જીનોમ લેબમાં સેમ્પલ જ મોકલવામાં આવતા નથી વિદેશથી આવતા મુસાફરોના સેમ્પલના રિપોર્ટ માટે વધુ સમય લાગી રહ્યો છેસુરતમાં કોરાનાના વેરિયન્ટને શોધવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાતયુનિવર્સિટીમાં જીનોમ લેબ ઊભી કરવામાં આવી છે. જોકે આશ્ચર્યજનક બાબત જાણવા મળી છે. જીનોમ લેબનું મુખ્યકાર્ય કોરોના વાઈરસમાં આવતા નવા વેરિયન્ટને શોધવાનું હોય છે. કોરોના સંક્રમણ દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં સેમ્પલો ગાંધીનગર અને પુણે ખાતેની લેબમાં જતા હોવાથી તેનો રિપોર્ટ આવતા ખૂબ સમય વીતી જતો હતો. તેને ધ્યાનમાં રાખીને સુરત ખાતે જીનોમ લેબ શરૂ કરવામાં આવી હતી. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે આ લેબમાં કોઈપણ સેમ્પલ મોકલવામાં આવી રહ્યા નથી.
સુરતમાં વિદેશથી આવેલા મુસાફરોમાં ઓમિક્રોન વેરિયન્ટ છે કે કેમ તે જાણવા માટે એક મહિના કરતાં વધુનો સમય લાગશે. હાલ જે રીતે વિદેશોમાંથી શહેરમાં આવતા મુસાફરોના સેમ્પલ લઇને ગાંધીનગર અને પુણે મોકલવામાં આવી રહ્યા છે. સુરતીઓએ વધુ ચેતવાની જરૂર છે કારણ કે તાત્કાલિક કયો વેરિયન્ટ છે તે જાણવા મળશે નહીં. બીજી લહેર વખતે જે પ્રકારની સ્થિતિ હતી તેમ સેમ્પલના રિપોર્ટ માટે રાહ જોવાની તે જ સ્થિતિ અત્યારે પણ ઊભી થઈ છે.લેબ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો પણ ઉપયોગ નહીં
કોરોના સંક્રમણ દરમિયાન આપણે એક વસ્તુ શીખવા મળી છે કે જેટલી ઝડપથી માહિતી મળે તેટલી ઝડપથી કામગીરી શરૂ કરી શકાય. કયો વેરિયન્ટ છે અને કેટલો ઘાતક છે તેવું ઝડપથી માલુમ પડે તો તેને ફેલાતો અટકાવી શકાય. જીનોમ લેબ દ્વારા ઝડપથી પ્રાપ્ત થતી માહિતી ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ શકે છે. IMCR દ્વારા મંજૂરી આપ્યા બાદ કરોડો રૂપિયા લેબમાં સેફ્ટી સ્ટાન્ડર્ડ માટે ખર્ચવામાં આવ્યા છે. છતાં પણ ઘર આંગણે જે સુવિધા છે તેનો કોઈ ઉપયોગ ન કરાતા કરોડો રૂપિયાના ખર્ચ પણ શોભાના ગાંઠિયા સમાન જીનોમ લેબ ઉભી કરવામાં આવી છે.વિદેશથી આવેલા મુસાફરોના લેવાયેલા સેમ્પલના રિપોર્ટની માહિતી એક મહિના બાદ જો આવે તો ખૂબ ગંભીર બાબત માની શકાય. કારણ કે બહારથી આવતા મુસાફરોને હાલ સાત દિવસ ક્વોરન્ટીન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જો કોઈ વિદેશથી ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત હોય તો કેવી સ્થિતિ ઊભી થઇ શકે તેની ગંભીરતા આપણે સમજી શકીએ છીએ.જીનોમ લેબ હોવા છતાં સેમ્પલ ગાંધીનગર-પુણે મોકલાય છે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ડૉ. પ્રવિણ દુધાગરા એ જણાવ્યું કે હાલ સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે જે જીનોમ લેબ ઉભી કરવામાં આવી છે તેમાં સેમ્પલ મોકલવામાં આવી રહ્યા નથી. દરેક સેમ્પલને તપાસવા માટેના એક ચોક્કસ ક્રાઈટેરિયા હોય છે તે મુજબ તેની તપાસ કરવામાં આવે છે. અત્યારે પણ આપણે ત્યાંથી જે રિપોર્ટ મેળવવા માટે સેમ્પલ મોકલવામાં આવી રહ્યા છે તે ગાંધીનગર અને પૂણે મોકલાઇ રહ્યા છે.સુરત મહાનગરપાલિકાના હેલ્થ આસિસ્ટન્ટ કમિશનર ડૉ. આશિષ નાયકે જણાવ્યું કે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જિનોમ લેબ તૈયાર કરી દેવામાં આવી છે. લેબમાં તમામ પ્રકારની ફેસેલીટીઓ પણ છે. પરંતુ હાલ જે સેમ્પલ લઇ રહ્યા છે તેને આપણે ગાંધીનગર મોકલી રહ્યા છે.