કોળી યુવાનોએ સુરતના વરાછા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. વરાછા વિસ્તારની 14 વર્ષની કોળી યુવતીનું લગ્ન માટે અન્ય જ્ઞાતિના યુવક દ્વારા અપહરણ કરવામાં આવતા સગીર પરિવાર સહિત સમાજના લોકો મોરચો લઈને વરાછા પોલીસ મથકે પહોંચ્યા હતા. તેઓએ વરાછા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી તાત્કાલિક ન્યાયની માંગ કરી હતી.
કોળી સમાજના લોકો દ્વારા વરાછા પોલીસ સ્ટેશનનો ઘેરાવ
સુરતના વરાછા વિસ્તારમાં રહેતા કોળી પટેલ સમાજની 14 વર્ષની બાળકી ગુમ થઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે એક યુવકે સગીરને લગ્નની લાલચ આપી છે. આ અંગે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જોકે, સગીરના માતા-પિતાને પોલીસ તરફથી યોગ્ય સહકાર ન મળ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેના કારણે આજે મોટી સંખ્યામાં સમાજના લોકો વરાછા પોલીસ મથકે પહોંચ્યા હતા. પરિવારના સભ્યો અને સમાજના આગેવાનોએ પોલીસ સ્ટેશનની બહાર સમાજની દીકરીને પરત લાવવાના બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો, તાત્કાલિક ન્યાયની માંગ
દીકરીના પરિવારે સમાજમાં આ અંગેની સમગ્ર હકીકત જણાવી. સમાજ દ્વારા તેમના સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. આ તમામ લોકોએ વરાછા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. હાથમાં બેનરો લઈને ન્યાયની માંગણી કરી આરોપીઓને સજાની માંગ કરી હતી. પોલીસ સ્ટેશનને કોર્ડન કરવામાં આવતાં જ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને અધિકારીઓ આવી પહોંચ્યા હતા. જ્યાં વરાછા પીઆઈએ સગીરને તાત્કાલિક શોધી કાઢવાની ખાતરી આપી હતી.