સુરતઃ એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીઓ કોઈપણ હદને પાર કરતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો હતો. અહીં એક તરફી પ્રેમમાં પાગલ 17 વર્ષના કિશોરને 14 વર્ષની તરુણીને પામવા માટે એવું પગલું ભર્યું કે જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો. કિશોરે સોશિયલ મીડિયાનો સહારો લઈને તરુણીને પામવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, આવું કરવું તેને ભારે પડ્યું હતું.
સુરતમાં સાઇબર ક્રાઇમના બનાવો સતત વધી રહ્યા છે. શહેરના ઉધના વિસ્તારમાં રહેતી 14 વર્ષની તરુણીના નામે ફૅક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેના પ્રોફાઈલ તસવીરમાં તરુણીનો ફોટો મૂકી દેવામાં આવ્યો હતો. સફાઈ કામદારની 14 વર્ષીય પુત્રીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગત 25 ઓગષ્ટ, 2020ના રોજ તેના નામ જેવા જ એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મેસેજ આવ્યો હતો. ફૅક એકાઉન્ટના પ્રોફાઈલમાં તરુણીનો ફોટો હોવાથી તરુણી ચોંકી હતી. આ સાથે તેના પર બીજી તરવીરો પણ મૂકવામાં આવી હતી.
ફૅક એકાઉન્ટ ધારકે તરુણી જો તેની સાથે વાત નહીં કરે તો બીજી તસવીરો અપલોડ કરી દેવાની ધમકી આપી હતી. તરુણીએ વાત કરવાની ના પાડતા તેણે બીજા ફોટા મોકલ્યા હતા અને તેના પર બીભત્સ લખાણ પણ લખ્યું હતું. ત્યાર બાદ તેણે બીભત્સ મેસેજ કરતા તરુણીએ એકાઉન્ટ બંધ કરીને આ અંગે પરિવારને જાણકારી આપી હતી.
તરુણીએ ફૅક એકાઉન્ટ બનાવીને પરેશાન કરતા યુવક વિરુદ્ધ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી. આ મામલે ગુનો દાખલ કરીને પોલીસે એક તરુણની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તરુણે સ્વીકાર કર્યો હતો કે તે તરુણીના એક તરફી પ્રેમમાં હતો અને તરુણી વાત કરે તે માટે તેણે આવું કૃત્ય કર્યું હતું.
તરુણે સ્વીકાર કર્યો હતો કે તેણે ઇન્સ્ટાગ્રામ પર અલગ અલગ એકાઉન્ટ બનાવી તરુણીને મેસેજ કર્યાં હતાં. જેમાંથી એક ફૅક એકાઉન્ટ તરુણીના નામે બનાવ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે તરુણ લુમ્સ ખાતામાં નોકરી કરે છે. પોલીસે તરુણની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.