વરાછા વિસ્તારમાં તક્ષશિલા ઘટના બન્યા બાદ સુરતમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા મુદ્દે ફાયર વિભાગ દ્વારા 4358 નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં ફાયર સેફટીની સુવિધા નહીં ઉભી કરનાર દુકાન સહિતની 19933 મિલકત સીલ કરવામાં આવી હતી પણ દક્ષિણ ગુજરાત વિશાળ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જરૂરી ફાયરસેફ્ટી ઉભી કરવા માટે નોટીસ આપવા છતાં સિવિલ તંત્રએ સુવિધા ઉભી કરી નથી. જેથી ત્યાં સારવાર માટે આવતા દર્દીઓને તેમના સંબંધી ડોક્ટર સહિતના કર્મચારીઓ ભગવાન ભરોસે હોય એવું લાગે છે.
વરાછા ખાતે છ માસ પહેલા તક્ષશિલા આર્કેડ ભીષણ આગ લાગતા 22 વિદ્યાર્થીઓ મોતને ભેટયા હતા. આ ઘટના બન્યા બાદ ફાયરબ્રિગેડના અધિકારીઓ હરકતમાં આવી ગઇને બિલ્ડીંગોમાં જરૂરી ફાયર સુવિધા છે કે નહીં તે અંગે સર્વે શરૂ કર્યો હતો. જેમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો, સિનેમા, મલ્ટિપ્લેક્સ, માર્કેટ, હોટલ, રેસ્ટોરન્ટ, સ્કૂલ, ટ્યુશન ક્લાસીસ, કોલેજ, હોસ્ટેલ, તેમજ સરકારી અને ખાનગી એજ્યુકેશન બિલ્ડીંગ, કોમર્શિયલ બિલ્ડીંગ અને રેસિડેન્ટ બિલ્ડીંગ સહિતની 5651 મિલકતનો સર્વે કરવામાં આવ્યું હતું.
જેમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા માટે 4358 મિલકતોને નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં જરૂરી ફાયર સેફ્ટીની સુવિધા ઉભી નહીં કરનાર 19933 દુકાન સહિતની મિલકતોને સીલ કરવામાં આવી હતી. નોંધનીય છે કે નવી સિવિલ હોસ્પિટલમાં જરૂરી ફાયર સુવિધા ઉભી કરવા માટે તક્ષશિલાની દુર્ઘટના થવા પહેલા અને તે પછી પણ ફાયર અધિકારીએ નોટિસ આપી હતી. જોકે તક્ષશિલાની ઘટના બન્યાના છ માસ થઈ ગયા છતાં નવી સિવિલ હોસ્પિટલમાં જરૂરી ફાયર સેફટીની સુવિધા ઊભી કરવામાં આવી નથી.
આવા સંજોગોમાં જો સિવિલમાં કોઇ દુર્ઘટના બને તો સારવાર લેવા આવતા હજારો દર્દીઓ, વોર્ડમાં દાખલ દર્દીઓ, ડોક્ટર સહિતના કર્મચારીઓ ભગવાન ભરોસે ના હોય એવું ચર્ચાઈ રહ્યું છે.