પાંડેસરામાં એક વિસ્તારમાં ગઈકાલે સાંજે અજાણ્યા વાહને યુવાનને ટક્કર મારતા મોતને ભેટ્યા હતા જ્યારે બીજા વિસ્તારમાં પથ્થરના લીધે બેલેન્સ નહીં રહેતા બુલેટ સ્લીપ થવાથી ગંભીર ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું. નવી સીવીલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પાંડેસરા આવેલા ચામુંડા હોટલ પાસે રહેતા 40 વર્ષીય તારાભાઈ સીબાભાઈ પુરોહિત ગઈકાલે સાંજે પાંડેસરાના બાટલીબોય સર્કલ પાસે કામનાથ મહાદેવ મંદિર નજીક પગપાળા જતા હતા ત્યારે પૂરપાટ હંકારતા અજાણ્યા વાહનચાલકે તેમને ટક્કર મારી હતી જેમાં તેમને ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
નોંધનીય છે કે તારાભાઈ મૂળ રાજસ્થાનના જાલોરના વતની હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે પાનનો ગલ્લો ચલાવતા હતા. બીજા બનાવમાં પાંડેસરામાં આવેલા ઘનશ્યામનગરમાં રહેતા 40 વર્ષીય અરવિંદભાઈ રામેશ્વર ચૌહાણ ગઈ તા. 25 મીએ સાંજે ઘર પાસેના ગેરેજથી બુલેટ પર ઘરે જવા નીકળ્યા હતા ત્યારે ઘર પાસે રોડ પર પડેલા પથ્થરના લીધે બેલેન્સ ગુમાવતા બુલેટ સ્લીપ થઈ હતી. જેમાં તેમને ગંભીર ઈજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં આજે સવારે તે મોતને ભેટ્યા હતા. તેઓ મૂળ ઉત્તરપ્રદેશના આઝમગઢના વતની હતા. તેમને ચાર સંતાન છે અને તેઓ ગેરેજનું કામ કરતા હતા. આ બંને બનાવ અંગે પાંડેસરા પોલીસે તપાસ આદરી છે.