ઉધના દક્ષેશ્વર મંદિર નજીક એકટીવા સવાર બે લુંટારૂઓએ યુવાનને પાછળથી ધક્કો મારી રોડ પર પટકી દઇ ચપ્પુની અણીએ મોબાઇલ ફોન અને રોકડ મત્તા મળી કુલ રૂા. 13990ની લુંટ કરી ભાગી ગયા હતા.
ઉધના બીઆરસી નજીક લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલના ખાતા નંબર સી/116, 117 માં રહેતા અને ત્યાં જ કામ કરતો શિવમુરત કૈલાશનાથ યાદવ (ઉ.વ. 33 મૂળ . મથુરાપુર, નઇબજાર, જિ. ભદોઇ, યુપી) ગત રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં ખાતા નજીક દક્ષેશ્વર મંદિર પાસેથી પગપાળા જઇ રહ્યો હતો ત્યારે એકટીવા સવાર ત્રણ લુંટારૂઓ પાછળથી ઘસી આવ્યા હતા.
જે પૈકી એક લુંટારૂએ શિવમુરતને ધક્કો મારતા તે રોડ પર પટકાયો હતો અને માથામાં ઇજા થતા લોહી નીકળવા લાગ્યું હતું. ત્યાર બાદ બીજો લુંટારૂ ઘસી આવી ચપ્પુની અણીએ બાનમાં લઇ પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂા. 5 હજાર અને મોબાઇલ ફોન મળી કુલ રૂા. 13,990 ની મત્તા લુંટી લીધી હતી અને ત્યાર બાદ શિવમુરતને રોડ સાઇડની ઝાડીમાં ધક્કો મારી ભાગી ગયા હતા.
ઘટના અંગે શિવમુરતે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.