સરકારનાં આદેશ અનુસાર 1 ઓક્ટોબરથી નોન જ્યુડીશીયલ સ્ટેમ્પ પેપરોનું વેચાણ બંધ કરાશે. જેનાં વિકલ્પ રુપે સુરત જિલ્લાનાં વિવિધ સ્થળોએ ઇ-સ્ટેમ્પીંગ તથા ફ્રેન્કીંગની સુવિધા શરૂ કરાઈ છે. જે મુજબ સુરત શહેરમાં વિવિધ બેંકોમાં આ સુવિધા ઉપલબ્ધ હશે. શહેરનાં બધા જ વિસ્તારોને આવરી લેવાય તે રીતે સુરત શહેરમાં 32 બેંકોમાં ફ્રેન્કીંગ તથા 35 બેંકોમાં ઇ-સ્ટેમ્પીંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધા સ્ટેમ્પ ડ્યૂટી મુલ્યાંકન નાયબ કલેક્ટરની કચેરી, તમામ પ્રાંત અધિકારી કચેરી, મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત, મહાનગર પાલિકાની ઝોન ઓફીસો, નગરપાલિકા કચેરીએ પણ ઉપલબ્ધ હશે. ઉપરાંત વેબસાઈટ પર પણ કરાશે સ્ટેમ્પ ડ્યૂટી તથા નોંધણી ફીની ઓનલાઇન ચુકવણી કરી શકાશે.
રાજય સરકારે ગુજરાત સ્ટેમ્પ અને પુરવઠા નિયમો-અંતર્ગત 1 ઓક્ટોબરથી લાયસન્સ સ્ટેમ્પ વેન્ડર નોન જયુડીશીયલ સ્ટેમ્પ પેપરનું વેચાણ કરી શકશે નહીં તેવું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. 1 ઓક્ટોબરથી રાજયમાં નાગરિકોને ફીઝીકલ સ્ટેમ્પ પેપરના વેચાણ બંધ કરવાથી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં કોઇ મુશ્કેલી ઉભી ન થાય તે માટે જરૂરી કાર્યવાહી તાત્કાલિક અસરથી હાથ ધરવા સંબંધીત કચેરીઓને સૂચના આપવામાં આવી હતી. જે અનુસાર 1 ઓક્ટોબરથી સુરત શહેર અને જિલ્લામાં વિવિધ સ્થળોએ ઇ-સ્ટેમ્પીંગ અને ફ્રેન્કીંગની સુવિધા શરૂ કરી દેવાઈ છે. સુરત જિલ્લામાં ઇ-સ્ટેમ્પીંગ માટે 36 તેમજ ફ્રેન્કીંગ માટ 42 કેન્દ્રો શરૂ કરાયા છે જ્યારે સુરત શહેરની 32 બેંકોમાં ફ્રેન્કીંગ તથા 35 બેંકોમાં ઇ-સ્ટેમ્પીંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નોન જયુડીશીયલ સ્ટેમ્પ પેપરનું વેચાણ બંધ કરવાનાં જાહેરનામા બાદ સુરત જિલ્લાના સ્ટેમ્પ વેન્ડરોએ વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, જિલ્લામાં 80 ટકા સ્ટેમ્પ વેન્ડરો અંગ્રેજી જાણતા નથી. મોટા ભાગના સ્ટેમ્પ વેન્ડરોને ઇન્ટરનેટ ચલાવતા આવડતું નથી.