ઓલપાડથી સાયણ જતા રોડ પર અટોદરા ગામની સીમમાં આવેલા પેટ્રોલ પંપ ઉપર પલ્સર બાઇક પર આવેલા 3 બુકાનીધારી શખ્સોએ ઓફિસમાં ઘુસી સિક્યુરિટી ગાર્ડ તથા ઉંઘતા કર્મચારીના લમણે પિસ્તોલ મૂકી રોકડા રૃ. 40,500 મુકેલું પાકીટ લૂંટી લઇ ઓફિસના દરવાજે લોક કરી ભાગી ગયા હતા. રાત્રે જ જિલ્લાની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઓલપાડથી સાયણ જતા રોડ પર ખટોદરા ગામની સીમમાં મુકેશ ભારતીનો શ્રી સાંઈ સમર્થ પેટ્રોલિયમ નામનો એચપીનો પેટ્રોલ પંપ આવેલો છે. પેટ્રોલ પંપ ઉપર સિક્યુરિટી ગાર્ડ તરીકે નિતેશ રમેશભાઈ વાઘેલા નોકરી કરે છે. નિતેશ સાથે રાત્રીના સમયે ફરજ પર ગુલાબભાઈ મગનભાઈ ગણાવા હોય છે. પેટ્રોલ પંપના મેનેજર તરીકે વિનોદ ટેલર નોકરી કરે છે. શનિવારે રાત્રે ગુલાબ નોકરી પર હતા અને સિક્યુરિટી ગાર્ડ નિતેશ વાઘેલા આવ્યા હતા.
રૂમાલ બાંધી સીધા ઘુસ્યા ઓફિસમાં
રાત્રિના 1 વાગે ગુલાબ એકાઉન્ટ ઓફિસમાં જઈ ઉંઘી ગયો હતો અને થોડી વાર પછી નિતેશ વાઘેલા પણ ઓફિસમાં જઈ મેનેજરની ખુરશીમાં બેસી ગયો હતો. દરમિયાન રાત્રે ૨ વાગ્યા બાદ કાળા રંગની પલ્સર પર ત્રણ સવારી 25 થી 30 વર્ષના પેન્ટ શર્ટ પહેરેલા યુવાનો પેટ્રોલ પંપ ઉપર આવી બીજા નંબરના પોઇન્ટ પર ચાલક હેલ્મેટધારી યુવાને બાઇક ઉભી રાખી હતી. બાઇક પરથી ઉતરીને બે શખ્સો મોં ઉપર સફેદ રૂમાલ બાંધી સીધા ઓફિસમાં ઘુસી ગયા હતા.
પિસ્તોલ સીધી લમણે મુકી દીધી
બંને શખ્સોએ હાથમાં પિસ્તોલ પકડીને સીધી નિતેશ વાઘેલાના લમણે મૂકી દઈ હિન્દીમાં તેરે પાસ કિતના પૈસા હૈ ચલ નિકાલ નહીં તો ઠોક દુંગા તેમ કહેતા નિતેશ વાઘેલાએ ગભરાઈ જઈ પૈસા ટેબલના ખાનામાં છે તેમ કહેતા ટેબલ કી ચાબી નિકાલ તેમ કહેતા ચાવી નીચે સુતેલા ગુલાબભાઈ પાસે હોય બીજા શખ્સે ગુલાબભાઈને જગાડી પિસ્તોલથી ડરાવી ચાવી લઇ લીધી હતી.
રોકડા રૂપિયા ઉઠાવી ગયા
ટેબલના ખાનામાં મુકેલા કાળારંગના પાકીટમાં મુકેલા રોકડા ર. 35,500 અને નિતેશ વાઘેલા પાસેથી રોકડા રૃ. 2,000 અને ગુલાબભાઈ પાસેથી રૃ. 3,000 મળી કુલ રૃ. 40,500 રોકડા લૂંટી લીધા હતા. પૈસા પાકીટમાં મૂકી બંને શખ્સો પિસ્તોલ હાથમાં જ રાખી બહાર નીકળી ઓફિસના દરવાજાને તાળું મારી પલ્સર બાઇક પર બેસી ત્રણેય શખ્સો બિન્દાસ ભાગી ગયા હતા. નિતેશે પેટ્રોલ પંપના માલિક મહેશ ભારતી અને પોલીસને ફોન કરતા ઓલપાડ પોલીસ તથા રાત્રિ પેટ્રોલિંગમાં નીકળેલી જિલ્લા એલસીબીની ટીમે પેટ્રોલ પંપ ઉપર પહોંચી જઈ સીસીટીવી ફુટેજ આધારે તપાસ શરૃ કરી છે.
કર્મચારીને ઓફિસમાં પુરી લૂટારૂ તાળુ મારી ગયા
પેટ્રોલ પંપની ઓફિસમાં ઘુસેલા બંને પિસ્તોલધારી શખ્સોએ લૂંટ કર્યા બાદ ગુલાબને પંપ ઉપર લઇ જઈ પલ્સર બાઇકની ટાંકીમાં પેટ્રોલ ભરાવી ફુલ કરીને પાછા તેઓને ઓફિસમાં મૂકી દઈ તાળું મારી દીધું હતું. નિતેશ અને ગુલાબભાઈએ બુમાબુમ કરતા નજીકમાં ઉંઘતા ગીરજીભાઈ જાગી જઈ ઓફિસના દરવાજાનું તાળું ખોલ્યું હતું.