સચીન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કાપડના કારખાનાના કારીગરે નોકરીમાંથી કઢાવ્યાની અદાવતમાં સાથી કારીગર અને તેના મિત્રોએ ચપ્પુની અણીએ ઓટો રીક્ષામાં અપહરણ કરી ગોંધી રાખી 13 હજારની લુંટ કરી ભાગી ગયા હતા.
સચીન-કનસાડ રોડ સ્થિત શીવશક્તિ નગરમાં રહેતો પરશુરામ યમુના મહંતો (ઉ.વ. 34) સચીનના હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કાપડના કારખાનામાં નોકરી કરે છે. પરશુરામ સાથે કામ કરતો કારીગર કાલુ ઉર્ફે પિન્ટુ પડોશી કારખાનામાં પણ ઓવર ટાઇમમાં કામ કરતો હતો. પરંતુ પડોશી કારખાનામાં કાલુએ રજા પાડતા કારખાનાના મેનેજરે પરશુરામને અન્ય કોઇ કારીગર હોય તો જણાવજો એમ કહ્યું હતું.
જેથી પરશુરામે પોતાના ઓળખીતા વિક્રમ કુમારને પડોશી કારખાનામાં નોકરીએ રાખ્યો હતો. જેથી કાલુની નોકરી છુટી જતા તેણે પરશુરામ સાથે ઝઘડો કર્યો હતો. જેની જાણ પરશુરામે પડોશી કારખાનેદારને કરી હતી અને તેણે પણ કાલુને માર મારી નોકરીમાંથી કાઢી મુકયો હતો.
પોતાની નોકરી છુટી અકળાયેલા કાલુએ ગત રોજ પરશુરામ અને તેનો મિત્ર દેવાનંદ રાતપાળી નોકરી કરી ઘરે જઇ રહ્યા હતા ત્યારે સચીન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના રોડ નંબર 12 પર કાલુ અને તેના મિત્રો અંકિત રવિ પાલ (રહે. શ્રીરામ નગર, કનકપુર-કનસાડ રોડ), ઘનંજય રામબલી પાલ અને સાગર પુર્ણચંદ ગૌડા (બંન્ને રહે. સુડા સેકટર, સચીન) ઓટો રીક્ષામાં ઘસી આવ્યા હતા અને ચપ્પુની અણીએ પરશુરામનું રીક્ષામાં અપહરણ કર્યુ હતું. કાલુએ દેવાનંદને યે તેરી મેટર નહિ હૈ એમ કહી ભગાડી મુકયો હતો અને પરશુરામને રીક્ષામાં અપહરણ કરી સચીન આલ્ફા હોટલથી દુરદર્શન ટાવર ચાર રસ્તા પર લઇ ગયા હતા અને એક બંધ રૂમમાં ગોંધી રાખી 2 લાખની માંગણી કરી હતી.
જો કે ત્યાર બાદ કાલુ અને તેના મિત્રોએ પરશુરામ પાસેથી પગારના 14 હજાર લુંટી લીધા હતા અને તે પૈકી 1 હજાર પરત આપી સમગ્ર બાબત અંગે કોઇને જાણ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી ગયા હતા.