સુરત :સુરત જિલ્લાના કામરેજ તાલુકાના મોરથાણા ગામના ખેડૂત નરેન્દ્રભાઈ પટેલે 2017માં 16 વિધા જમીન વિસ્તારમાં 12 X 16 ફુટના અંતરે 2151 સફેદ ચંદનના રોપાનું વાવેતર કર્યું હતું. સાથે આંતર પાક તરીકે વચ્ચેના ભાગમાં 1100 આંબાનું પણ વાવેતર કર્યું હતું. સારો ગ્રોથ જણાતા એક વર્ષ બાદ વધારાની ચાર વિઘા જમીનમાં 350 ચંદન તથા 700 આંબાનું પણ વાવેતર કર્યું હતું. થોડા સમય બાદ 1100 જેટલા લાલ ચંદનના વૃક્ષોનું પણ તેમણે વાવેતર કર્યું હતું.
ખેડૂતે પાણીની બચત થાય તે માટે ડ્રીપ ઈરીગેશન પદ્ધતિ દ્વારા પિયત પદ્ધતિ અપનાવી છે અને સમગ્ર વળી વિસ્તારમાં ઈરીગેશન પદ્ધતિ દ્વારા પિયત કરવામાં આવે છે. બે વર્ષના અંતે નરેન્દ્રભાઈની વાડીમાં ચંદનના વૃક્ષો 8 ફુટથી વધુની ઉંચાઈના થઇ ગયા તથા વૃક્ષોનો ઘેરાવો પણ સારો છે. ચંદનમાં વધારાની ડાળીઓને કાપીને પ્રુનીંગ પણ કરવામાં આવ્યું છે જેથી મુખ્ય થડ વધુ ગ્રોથ કરી શકે. નરેન્દ્રભાઈ કહે છે કે, સફેદ ચંદનના 2500 જેટલા વૃક્ષો 18 વર્ષ બાદ પરિપક્વ થશે. એક વૃક્ષમાંથી અંદાજે 15 થી 20 કિલો ઉપયોગી ચંદનનું લાકડું પ્રાપ્ત થશે. જેથી કિલોદીઠ રૂ.3000 જેટલો ભાવ ગણીએ તો વૃક્ષદીઠ અંદાજે રૂ.50,000 મળે તો પણ અંદાજીત 12 કરોડ જેટલું માતબર વળતર મળવાની સંભાવના તેમણે વ્યકત કરી હતી.