ઉકાઈ઼ ડેમના ઉપરવાસમાં સામાન્ય વરસાદ વરસવાની સાથે જ ઇનફલો પણ ઘટીને 64,000 કયુસેક થઇ ગયો હતો. આમ પરિસ્થિતિ થાળે પડતા જ શહેરીજનોમાંથી પૂરના હાઉ દૂર કરવા માટે સતાધીશોએ ઉકાઇ ડેમના દરવાજા ખોલીને 12 દિવસ, 295 કલાક એકધારુ પાણી છોડયા બાદ આજે સાંજે સાત વાગ્યાથી ડેમના તમામ દરવાજા બંધ કરીને ચાર હાઇડ્રોમાં 25,000 કયુસેક પાણી છોડી ડાઉન થયેલી સપાટી ઉપર લઇ જવાની શરૃઆત કરી છે
ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વિતેલા ૨૪ કલાકમાં સાગબારામાં ૩.૫ ઇંચ સિવાય બાકીના રેઇનગેજ સ્ટેશનમાં વરસાદે વિરામ લીધો હતો. તો હથનુર ડેમમાંથી પણ પાણી છોડવાનું ઘટાડી દઇને ૪૯,૦૦૦ કયુસેક કરી દેવાયુ છે. આમ વરસાદની સ્થિતિ સામાન્ય થતા ઉકાઇ ડેમમાં પાણીનો આવરો ઘટીને ૬૪,૦૦૦ કયુસેક થઇ ગયો છે. આમ પાણીની આવક ઘટતા જ સતાધીશોએ દિવસના પાણી છોડવાનું પણ ઘટાડી દઇને ૪૯,૦૦૦ કયુસેક કરી દેવાયુ હતુ. દરમ્યાન આગામી દિવસોમાં વરસાદની કોઇ સિસ્ટમ નહીં હોવાની સાથે જ બુધવારથી પાણીની આવક પણ ઘટી જતી હોવાથી સતાધીશોએ મોડી સાંજે પાણી છોડવાનો નિર્ણય બદલ્યો હતો.