પાટીદાર અનામત આંદોલનના કન્વીનર અને યુવા નેતા અલ્પેશ કથીરીયા વિરુદ્વ સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફર્સ્ટ પાર્ટના ગુનામાં જામીન રદ્દ કરવાની અરજી છઠ્ઠી માર્ચે અરજી દાખલ કરવામાં આવી હતી. 2017માં નોંધાયેલા ગુનામાં અલ્પેશની ધરપકડ કરવામાં આવી હતી. તે પૂર્વે અલ્પેશના રાજદ્રોહના કેસમાં જામીન રદ્દ કરવામાં આવ્યા હતા.
અલ્પેશ કથીરીયાના વકીલ યશવંત વાળાએ માહિતી આપી કે સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના રજી નં 226/2017થી કેસ રજિસ્ટર્ડ કરવામાં આવ્યો હતો. જેમાં ઈપીકો કલમ 307,143.148,149ની કલમ લગાડવામાં આવી હતી. સરકાર દ્વારા આ કેસમાં જામીન રદ્ કરવાની અરજી દાખલ કરવામાં આવી હતી.
આ કેસમાં આજે લાજપોર જેલમાંથી અલ્પેશ કથીરીયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ન હતો. સરકારની જામીન રદ્દ કરવાની અરજી અંગે કથીરીયાના એડવોકેટ યશવંતસિંહ વાળાની દલીલ ગ્રાહ્ય રાખીને આજે સુરત સેશન્સ કોર્ટના જજ જૈન દ્વારા સરકાર તરફથી દાખલ કરવામાં આવેલ જામીન રદ્ કરવાની અરજી ફગાવી દેવામાં આવી હતી. અમરોલી કેસમા અલ્પેશ કથીરીયાના જામીન બરકરાર રાખવામાં આવ્યા હતા.