સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ગુરુવાર રાતથી APMC માર્કેટ સાત દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત શહેરમાં આવેલી તમામ શાકભાજીની લારીઓ અને દુકાનો પણ બંધ રાખવામાં આવશે. મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, નવા 30 કેસ નોંધાતા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 783 થઈ ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહેલી વધુ બે મહિલાનું ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું છે.
આ સાથે કોરોનામાં શહેર જિલ્લામાં કુલ મૃત્યુઆંક 35 થઈ ગયો છે. જ્યારે સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલમાંથી કોરોના સામે જંગ લડી સાજા થયેલા 42 દર્દીઓને રજા આપવામાં આવી છે. જેથી રિકવરીનો આંક 357 થયો છે. જે વિસ્તારમાં કેસ વધશે ત્યાં કરિયાણાની દુકાનો બંધ કરાવવામાં આવશે. શહેરમાં એક-બે દિવસમાં જ્યાં 10 પોઝિટિવ કેસ આવ્યા છે. તેવા વિસ્તારોમાં શાકભાજી અને કરિયાણાની દુકાનો બંધ કરાવવામાં આવશે.
જે દુકાન ચાલુ રાખવામાં આવશે તેનું ગુમાસ્તાધારાનું લાયસન્સ રદ કરવામાં આવશે તેમ મ્યુનિસિપલ કમિશનર બીછાનિધિ પાનીએ જણાવ્યું. સુરત એરપોર્ટ પર ઇન્ડિયન એરફોર્સના હર્ક્યુલસ ગ્લોબ માસ્ટર C-17 ઉતર્યું જેમાંથી પેરા મીલીટરી ફોર્સની બે કંપની ઉતારવામાં આવી છે. લોકડાઉનના ત્રીજા તબક્કામાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવા માટે આ પેરામિલિટરની કંપની બોલાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.