આજે અયોધ્યાનો ઐતિહાસિક ચુકાદો છે જેને લઈને સમગ્ર ગુજરાતમાં સઘન વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જેથી કોઈ બનાવ ન બને. ગુજરાતના મહાનગરોમાં પણ પોલીસે કિલ્લેબંધી કરી દીધી છે. જેથી કોઈ અણછાજતો બનાવ ન બને. ત્યારે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અયોધ્યા કેસના ચૂકાદાને લઈ કેવી છે સ્થિતિ તેના પર એક નજર કરીએ..
બનાસકાંઠામાં પોલીસનું સંવેદનશિલ વિસ્તારોમાં પેટ્રોલિંગ
બનાસકાંઠામાં પણ પોલીસ દ્વારા અયોધ્યા ચુકાદા મામલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઇને શાંતિ ન ડહોળાય તે માટે પોલીસ ખાસ ખ્યાલ રાખી રહી છે પાલનપુરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.. જ્યારે સમગ્ર જિલ્લામાં પોલીસ પેટ્રોલિંગ કરીને સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.. ત્યારે બનાસકાંઠાનું મુખ્યાલય પાલનપુરમાં પણ પી.આઈ અને પી.એસ.આઈ સહિતના અધિકારીઓ સમગ્ર શહેરની પરિસ્થિતિનું મોનીટરીંગ કરી રહ્યા છે અને કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તેના પર ખ્યાલ રાખી રહ્યા છે.
સુરતમાં ચાપતો બંદોબસ્ત
આજે અયોધ્યા કેસ ચુકાદાને લઈ સુરત પોલીસ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કુલ 8 સંવેદનશીલ વિસ્તારમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરેક સંવેદનશીલ વિસ્તારમાં 1ACP, 2PI, 25 પોલીસકર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે. સાથે જ કુલ 3 SRPની ટિમ અને 1 QRTની ટીમ સંવેદનશીલ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. તેમજ કન્ટ્રોલરૂમમાં 1SRP ની ટિમ, 1 PI, 50 પોલીસ કર્મીઓ સ્ટેન્ડબાય મુકવામાં આવ્યા છે. આ સિવાય સુરત ક્રાઇમ બ્રાન્ચ,એસઓજી તેમજ પીસીબી શાખાના પોલીસ કર્મચારીઓ પણ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. સાથે જ સોસીયલ મીડિયા પર શહેર પોલીસની બાજ નજર મંડરાયેલી છે. કોઈ પણ ભડકાઉ મેસેજ કરતા તત્વોને ઝડપી પાડવા પોલીસ સતર્ક છે. શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તેમજ કાયદો -વ્યવસ્થા બની રહે તેવા પ્રયાસ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે.