સુરતના ઈચ્છાનાથ પાસે આવેલી SVR એન્જિનિયરીંગ કોલેજની પોસ્ટની દશા જોઈને એમ જ લાગ્યા કરે છે કે ટપાલ ખાતાની કેટલી લાપરવાહી છે. પોસ્ટ ઓફીસ માટે વિશાળ જગ્યા હોવા છતાં ટપાલોનો ખડકલો પોસ્ટ ઓફીસના ઓટલા પર પડેલા જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિ સર્જાયા પાછળ ટપાલોનો ખડકલો છે કે પછી અપૂરતી વ્યવસ્થા અને સ્ટાફની અછત છે તે કળવું મુશ્કેલ છે.
આજના ડિજીટલ અને સોશિયલ મીડિયાના જમાનામાં પોસ્ટલ સર્વિસનો મૃત્યુઘંટ વાગી ગયો છે. સરકાર દ્વારા પોસ્ટલ સર્વિસને જીવંત રાખવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પોસ્ટ ખાતા દ્વારા બેદરકારી રાખવામાં આવી રહી હોવાનું ચાડી ખાય છે. ખાસ કરીને જ્યારે SVR એન્જિનિયરીંગ કોલેજ જેવી મહત્વની પોસ્ટ ઓફીસની વાત હોય ત્યારે તો આ હકીકત ઊજાગર થયા વગર રહેતી નથી.
SVR એન્જિનિયરીંગ કોલેજ માટે આ પોસ્ટ ઓફીસનું મહત્વ અનેક રીતે વધી જાય છે. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ માટે આ પોસ્ટ ઓફીસ આશિર્વાદ રૂપ બની રહી છે.
અન્ય રાજ્યોમાંથી અહીં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓની ટપાલો ઉપરાંત અન્ય ચીજ વસ્તુઓ સીધી રીતે અને સરળતાથી મળી જાય છે. પરંતુ પોસ્ટ ઓફીસનો કારભાર જોતાં ટપાલોનો ઢગલા પોસ્ટ ઓફીસના ઓટલા પર ગમે તેમ પડેલા જોવા મળી રહ્યા છે.
કોઈની મહત્વની ટપાલ ગાયબ થઈ જાય કે કોઈ ઉઠાવગીર ટપાલને ઉઠાવી જાય તો વિચારો કે કેટલી કફોડી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. પોસ્ટ વિભાગે આ તરફ ધ્યાન આપીને ટપાલની સલામતી માટે યોગ્ય કાર્યવાહી કરવાની રહે છે.