વરિયાવ ગામમાં વડીલોપાર્જીત મિલકતના ડોકયુમેન્ટ્સ પર સહી કરવાનો ઇન્કાર કરનાર વિધવા મહિલાને જેઠ-જેઠાણી અને તેમના સંતાનોએ માર મારવા ઉપરાંત ગળુ દબાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી કપડા ફાડી નાંખતા મામલો જહાંગીરપુરા પોલીસ મથકમાં પહોંચ્યો છે.
શહેરના છેવાડાના વરિયાવ ગામના બ્રાહ્મણ ફળિયામાં રહેતી રીટાબેન કિશોર પટેલ (ઉ.વ. 28)ના પતિનું બે વર્ષ અગાઉ માંદગીમાં મોત થતા હાલ ગામની ગુજરાતી સ્કુલ નજીક ચા-નાસ્તાની લારી ચલાવી પોતાનું અને ત્રણ સંતાન ઇશા, હેમાક્ષી અને જશ નું ગુજરાન ચલાવે છે. છેલ્લા કેટલાક સમયથી વડીલોપાર્જીત મિલકતના મુદ્દે કાકા સસરા ચંદુભાઇ હરિભાઇ પટેલના પુત્ર પ્રવિણ પટેલના પરિવાર સાથે વિવાદ ચાલી રહ્યો છે. દરમ્યાનમાં ગત તા. 27 ના રોજ રીટાબેનને તેમની જેઠાણી આશાબેન પ્રવિણ પટેલે ફોન કરી પોતાના ઘરે મિલકતના ડોકયુમેન્ટ્સ પર સહી કરવા માટે બોલાવતા હતા. પરંતુ રીટાબેન તેમના વકીલ અને બીજા કાકા સસરા મગનભાઇ હરિભાઇ સાથે વાત કર્યા બાદ ડોકયુમેન્ટ્સ વાંચ્યા વિના સહી કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
જેથી ઉશ્કેરાયેલા જેઠ પ્રવિણ, જેઠાણી આશાબેન અને તેમના પરિવારના સેજલ હર્ષદ પટેલ, આરતી પ્રવિણ પટેલ, જેનીશ પ્રવિણ પટેલ, એકતા પ્રવિણ પટેલ, મંજુલા ઘનસુખ પટેલ અને તેમની પુત્રી ફાલ્ગુની ઘનસુખ પટેલ (તમામ રહે. બ્રાહ્મણ ફળિયુ, વરિયાવ) રીટાબેનની ચા-નાસ્તાની લારી પાસે ઘસી આવ્યા હતા અને ગાળાગાળી કરી સહી કેમ નથી કરવા આવતી ? એમ કહી પુત્રી ઇશાની નજર સામે જ ઝઘડો કર્યો હતો. ઉપરાંત તમામે ભેગા મળી રીટાબેનને ઘસડીને તેમના ઘરે લઇ ગયા હતા અને માર મારી ગળું દબાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત અગાઉ જમણા પગમાં ફ્રેકચર થયું હોવાથી તેમાં સળિયો નાંખેલો હતો તેમાં પણ માર માર્યો હતો અને કપડા ફાડી નાંખ્યા હતા. જો કે તક મળતા રીટાબેન ભાગી ગયા હતા અને પોતાના ઘરના બાથરૂમનો દરવાજો બંધ કરી અંદરથી પોલીસને ફોન કરતા જહાંગીરપુરા પોલીસ દોડી આવી હતી અને ઉપરોકત તમામ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.