પાર્ક કરેલી કારના કાચ તોડી અને તમારી ગાડીમાંથી ઓઇલ ટપકે છે એમ કહી ચોરીનો કસબ અજમાવતી ટોળકીએ પાંડેસરાના મારૂતિ ઇન્ડસ્ટ્રીઝમાં યાર્ન કારખાનેદારની કારનો કાચ તોડી રોકડા રૂા. 1.25 લાખ વાળી બેગ અને ભેસ્તાન ગામ પાસેથી ઓઇલ ટપકે છે એમ કહી કાર ચાલક વૃધ્ધને બેધ્યાન કરી રોકડા રૂા. 10 હજારની મત્તા વાળી બેગ તફડાવી લઇ બેગ ફેંકી દીધાની ફરિયાદ પાંડેસરા પોલીસ મથકમાં નોંધાય છે. પાંડેસરા દક્ષેશ્વર મંદિરની બાજુમાં મારૂતિ ઇન્ડસ્ટ્રીઝમાં યાર્નનું કારખાનું ઘરાવતા વિનોદ આત્તમપ્રકાશ ખુરાના (ઉ.વ. 51 રહે. ઓસ્કાર એપાર્ટમેન્ટ, સીટીલાઇટ રોડ) ગત તા. 8 ના રોજ પોતાની કાર લઇ કારખાને ગયા હતા.
કારખાનાની બહાર કાર પાર્ક કરી તેઓ ઓફિસમાં ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ પાંડેસરાના હાઇટેક પાર્કમાં આવેલા બીજા કારખાને જવા નીકળ્યા ત્યારે ડ્રાઇવરની બાજુની સીટના દરવાજાનો કાચ તુટેલો હતો અને કારમાં મુકેલી બેગ કે જેમાં મહત્તવના ડોકયુમેન્ટસ હતા અને રોકડા રૂા. 1.25 લાખ હતા તે ચોરી થઇ ગઇ હતી.
આ અંગે વિનોદભાઇ પોલીસ ફરિયાદ કરે તે પહેલા બેગ પાંડેસરાના લક્ષ્મી ટેક્સટાઇલ પાર્કની સામે ચામુંડા ટી સ્ટોર પાસેથી મળી આવી હતી અને તેની જાણ ટી સ્ટોરના માલિકે વિનોદભાઇને કરી હતી. જેથી વિનોદભાઇ તુરંત જ લક્ષ્મી ટેક્સટાઇલ પાર્ક ખાતે ઘસી ગયા હતા જયાં ટી સ્ટોર માલિકે જણાવ્યું હતું કે એક અજાણ્યો યુવાન બેગ મુકીને ચાલ્યો ગયો અને તેમાંથી તમારો મોબાઇલ નંબર મળતા જાણ કરી હોવાનું કહ્યું હતું. જયારે સચીન રેલવે સ્ટેશન રોડ રંગ અવઘુત સોસાયટીમાં રહેતા અને ઘરમાં જ ઇન્વેસ્ટમેનટની ઓફિસ ધરાવતા ભરત ઠાકોર નાયક (ઉ.વ. 67) બે દિવસ અગાઉ સાંજના સાતેક વાગ્યાના અરસામાં ભેસ્તાન ત્રણ રસ્તા પાસે કાર રોડ સાઇડ પર પાર્ક કરી પત્ની અને પુત્રીની રાહ જોઇ રહ્યા હતા ત્યારે એક યુવાન આવ્યો હતો અને તમારી કારમાંથી ઓઇલ ટપકે છે એમ કહ્યું હતું.
જેથી ભરતભાઇ કારમાંથી ઉતર્યા હતા અને બોનેટ પર પડેલું ઓઇલ જોઇ ચોંકી ગયા હતા અને તેમણે કારના એન્જીનની નીચે તરફ નજર કર્યુ હતું. પરંતુ કંઇ નજરે પડ્યું ન્હોતું. ત્યાર બાદ પત્ની અને પુત્રી આવી જતા તેઓ ઘરે આવી ગયા હતા.
ઘરે આવ્યા બાદ ભરતભાઇએ મિકેનીકને ઘરે બોલાવ્યો હતો પરંતુ કયાંયથી પણ ઓઇલ લીકેજ નહિ હોવાનું કહેતા તેમને શંકા ગઇ હતી અને ડ્રાઇવરની બાજુની સીટ પર રોકડા રૂા. 10 હજાર અને મહતવના ડોક્યુમેન્ટસ મુકેલું પર્સ શોધ્યું હતું. પરંતુ તે મળ્યું ન્હોતું અને બીજા દિવસે એક અજાણ્યા વ્યક્તિએ તેમનું પર્સ બારડોલી રોડ ગંગાધરા ગામ પાસે એક ટેમ્પામાંથી મળ્યું હોવાનું કહ્યું હતું.
જેથી ભરતભાઇ તુરંત જ ગંગાધરા ગામ ગયા હતા જયાં એક ચાલકે બેગ પરત કરી હતી અને તેણે કહ્યું હતું કે હજીરાથી લાકડાના ફેરો મારી પરત ઘરે આવ્યો ત્યારે બેગ ટેમ્પોમાંથી મળ્યું હતું.
ઘટના અંગે વિનોદ ખુરાના અને ભરત નાયકે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.