ડભોલી રોડ ગોવિંદજી હોલ સામે ત્રાટકેલા મોટરસાઇકલ સવાર ચેઇન સ્નેચરોએ રાહદારી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂા. 25હજારની આંચકીને ભાગી ગયા હતા. ડભોલી રોડ સ્થિત શ્રીરામમ સોસાયટીમાં રહેતા રત્નકલાકાર ભાવેશ જયંતિ પટેલની પત્ની નિમીષા બે દિવસ અગાઉ ડભોલી રોડના ગોવિંદજી હોલમાં સમાજની ગરબા સ્પર્ધા હોવાથી તેમાં ભાગ લેવા નણંદ સાથે પગપાળા જઇ રહ્યા હતા.
ત્યારે સ્પેલન્ડર મોટરસાઇકલ પર ચેઇન સ્નેચરો ત્રાટકયા હતા. મોટરસાઇકલ પર પાછળ બેસેલા સ્નેચરે નિમીષાના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂા. 25 હજાર મત્તાની આંચકીને ભાગી ગયા હતા. ઉલ્લેખનીય છે કે ગોવિંદજી હોલ સામે રસ્તો સાંકડો છે અને બીઆરટીએસ રૂટ હોવાની સાથે સતત વાહન વ્યવહાર ચાલુ રહેતો હોવા છતા સ્નેચરો બિન્દાસ્તપણે ચેઇન આંચકીને ભાગી જવામાં સફળ રહ્યા હતા.