સુરતમાં બીટ કોઈન નામે છેતરપિંડી કરવાનો વધુ એક મામલો સામે આવ્યો છે. સીઆઈડી ક્રાઈમે માસ્ટર માઈન્ડ હાર્દિક ઝડફીયાની ધરપકડ કરી છે. હાર્દિકની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.
સુરતના વરાછા અને પૂણા ગામ વિસ્તારમાં હાર્દિક ઝડફીયા અને અન્ય લેભાગુ લોકોએ બીટ ટ્રેડર્સ નામની કંપની ખોલી હતી. 2107માં આ કંપની ખોલવામાં આવી હતી અને રોકાણકારોને બીટ ટ્રેડર્સ મારફત બીએસએસમાં રોકાણ કરવાની લાલચ આપવામાં આવી હતી.
વિગતો મુજબ સુરત સીઆઈડી ક્રાઈમને ફરીયાદ મળી હતી કે હાર્દિક ઝડફીયા અને અન્ય ચાર જણાએ લોકોને બીટ કોઈનમાં રોકાણ કરવા માટે છેતર્યા છે. કુલ 1.64 કરોડની છેતરપિંડી અંગે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. અંદાજે 190થી પણ વધુ રોકાણકારો પાસેથી બીટ કોઈનના નામે રૂપિયા ઉસેટી લેવામાં આવ્યા હોવાનું સીઆઈડીની તપાસમાં ખૂલવા પામ્યું છે. બીએસએસમાં રોકાણ કરવાનો લોભ આપવામાં આવ્યો હતો.
માહિતી મુજબ હાર્દિક આણિ મંડળીએ ઉંચા વળતર અને વ્યાજ આપવામાં આવશે તેવી લાલચ પણ આપી હતી અને રોકાણકારોને બેંગકોક-સિંગાપોરની ટૂર ગોઠવી ફરવા પણ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં હાર્દિક આણિ મંડળીએ રાતોરાત કંપનીને તાળા મારી ફરાર થઈ ગયા હતા. સીઆઈડીએ અલગ અલગ દલીલો સાથે હાર્દિકના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. આ કેસમાં હજુ પણ ચાર ગઠીયાઓ ભાગતા ફરી રહ્યા છે.